• શુક્રવાર, 29 માર્ચ, 2024

વર્ષ 2022-23નો વિકાસદર સાત ટકાથી વધારે હોઈ શકે : શક્તિકાંત દાસ   

ફુગાવો અને અલ નીનો પરિબળો વિકાસ આડેના મુખ્ય અવરોધો: આરબીઆઈ

નવી દિલ્હી, તા. 24 :  નાણાવર્ષ 2022-23 દરમિયાન દેશના જીડીપીનો વિકાસ દર  સાત ટકાથી ઉપર જઈ શકે, એમ રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયા (આરબીઆઈ)ના ગવર્નર શક્તિકાંત દાસે આજે અહી કૉન્ફેડરેશન અૉફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (સીઆઈઆઈ)ના વર્ષ 2023ના વાર્ષિક સત્રને સંબોધતાં જણાવ્યું હતું. 

મધ્યસ્થ બૅન્કની દેખરેખ હેઠળના તમામ મહત્ત્વના સૂચકાંકોએ દાર્શાવ્યું છે કે ગયા નાણાવર્ષના અંતિમ ત્રિમાસિક ગાળામાં ગતીમાં સાતત્ય જોવા મળ્યું છે અને ભારતનું અર્થતંત્ર સાત ટકા કરતાં વધારે વિકાસદર નોંધાવે તો આશ્ચર્ય નહીં થાય, એમ દાસે ઉમેર્યું હતું. 

કૃષિ ક્ષેત્રની સાથે સર્વિસીસ સેક્ટરનો દેખાવ પણ સારો રહ્યો છે અને બીજી તરફ સરકાર દ્વારા મૂડી ખર્ચ અને માળખાકીય સુવિધા પાછળ થતાં ખર્ચમાં પણ વધારો થવાના કારણે અર્થતંત્રે ગતી પકડી છે. આ સાથે ખાનગી મૂડીરોકાણમાં પણ ગતિ આવી છે અને સ્ટીલ તેમજ સિમેન્ટ ક્ષેત્રોમાં તે વિશેષરૂપે જોવા મળે છે, એમ તેમણે જણાવ્યું હતું. 

આરબીઆઈના તાજા સર્વે મુજબ મૅન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં ઉત્પાદન ક્ષમતા 75 ટકા રહેવાની શક્યતા છે, પરંતુ સીઆઈઆઈના સર્વેમાં તે કરતાં વધુ ક્ષમતા રહેવાનો સંકેત આપવામાં આવ્યો છે, એમ આરબીઆઈ ગવર્નરે જણાવ્યું હતું. શરૂ થયેલા નવા નાણાવર્ષમાં દેશનો જીડીપી 6.5 ટકાની આસપાસ રહેવાની ધારણા છે, પરંતુ આગળ જતાં તે સામે અવરોધ આવવાની પણ શક્યતાઓ રહેલી છે, એમ દાસે ઉમેર્યું હતું. 

રિટેલ ફુગાવાનો હવે પછીનો આંક 4.7 ટકા કરતાં નીચો આવે તેવી ધારણા આરબીઆઈની છે. જોકે, ફુગાવા સામેની લડાઈ હજી પૂરી થઈ નથી અને આપણે આ મોરચે સાવધ રહેવાની આવશ્યકતા છે. આ બાબતે બેદરકારી પાલવે તેમ નથી, આપણે અલ નીનોનું પરીબળ કેવી અસર કરે છે તે જોવું રહ્યું, એમ આરબીઆઇ ગવર્નરે જણાવ્યું હતું.  આરબીઆઈએ તેની એપ્રિલની નાણાં સમીક્ષા નીતિની બેઠકમાં ધિરાણદર વધારો અટકાવી તેને 6.5 ટકાએ જાળવી રાખ્યા હતા. હવે જૂનમાં મળનારી આગામી સમીક્ષા બેઠકમાં પણ વધારો નહીં કરવાના સૂચનો તેમને મળ્યા હોવાનું શક્તિકાંત દાસે જણાવ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક