જાણીતા દિગ્દર્શક, અભિનેતા અને મોડેલ હની છાયાની ઍક્ઝિટ

જાણીતા દિગ્દર્શક, અભિનેતા અને મોડેલ હની છાયાની ઍક્ઝિટ
અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 28 : `જન્મભૂમિ-પ્રવાસી'ના કટાર લેખક, અભિનેતા, લેખક, દિગ્દર્શક અને મોડેલ હની છાયાનું કિડનીની બીમારીને કારણે વસઈની હૉસ્પિટલમાં આજે નિધન થયું હતું. તેમની ઉંમર 87 વર્ષની હતી. તેમના પરિવારમાં પત્ની મનિષાબહેન, પુત્ર બિભાસ અને પુત્રી નીરજાનો સમાવેશ થાય છે. તેમની અંતિમવિધિ આવતી કાલે સવારે 9.30 વાગે વસઈમાં કરાશે.

હની છાયા `જન્મભૂમિ-પ્રવાસી'માં ફોરેન્સિક વિજ્ઞાન જેવા ગહન વિષય વિશે લેખમાળા લખતા હતા. તેમની કર્તવ્યપારાયણતા અને ચીવટના સ્વભાવને કારણે થોડા દિવસ પહેલાં કેટલાક લેખ અગાઉથી જ આપી રાખ્યા છે. તેનો લાભ વાચકોને  કેટલાંક સપ્તાહ સુધી તેમના લેખો વાંચવા થકી મળશે.

કિડનીની ગંભીર તકલીફને કારણે છેલ્લા થોડા દિવસથી તેમને વસઇની કાર્ડિનલ ગ્રેશિયસ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ગુજરાતી રંગભૂમિ, ફિલ્મોના અભિનેતા અને જાહેરખબરોની દુનિયાના મોડેલ તરીકે હની છાયા જાણીતા હતા. તેમણે `ઓહ માય ગોડ' (વર્ષ 2012), વૉટ્સ યોર રાશી (વર્ષ 2009), ફિરાક (વર્ષ 2008) અને બીઇંગ સાયરસ વર્ષ 2005 જેવી ફિલ્મોમાં ભૂમિકા ભજવી હતી. થોડા સમય પહેલાં જ તેમણે ટેલિસિરિયલ `બા, બહુ ઔર બેટી'માં નરસીકાકાની ભૂમિકા ભજવી હતી.

હનીભાઈ જૈફ વયે પણ યુવાનોને શરમાવે એવી સ્ફૂર્તિ ધરાવતા હતા. રંગભૂમિ અને ફિલ્મ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને મદદ કરવા જાણીતા હતા.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer