યોગી સફળ મુખ્ય પ્રધાન સાબિત થશે : નાયડુ

પ્રમોદ મુઝુમદાર તરફથી

નવી દિલ્હી, તા. 20 : ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાનપદે આદિત્યનાથ યોગીની પસંદગી સામે વિપક્ષોએ ઉઠાવેલા સવાલોનો કેન્દ્રીય પ્રધાન એમ. વેન્કૈયા નાયડુએ જવાબ આપતાં કહ્યું છે કે નરેન્દ્ર મોદીને જ્યારે વડા પ્રધાનપદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા ત્યારે પણ વિપક્ષોએ જોરદાર વિરોધ કર્યો હતો. નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા છે અને સારા અને લોકપ્રિય કામો કરીને લોકોના દિલમાં સ્થાન મેળવી ચૂક્યા છે. યોગી આદિત્યનાથ પણ આવા વિરોધો છતાં સફળ મુખ્ય પ્રધાન સાબિત થશે.

પત્રકારો સાથે અનૌપચારિક વાતચીત દરમિયાન વેન્કૈયા નાયડુએ કહ્યું હતું કે આદિત્યનાથ યોગીની માગણીના પગલે સરકારી કામકાજમાં સહાયરૂપ બનવા બે ડેપ્યુટી મુખ્ય પ્રધાનોની નિમણૂક કરવામાં આવી છે. રવિવારે શપથવિધિ થયા બાદ રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા થઈ રહી છે કે યોગી આદિત્યનાથને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન બનાવીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પ્રમુખ અમિત શાહે મોટું જોખમ ઉઠાવ્યું છે.

આ સંદર્ભમાં વેન્કૈયા નાયડુએ કહ્યું હતું કે વિપક્ષી દળો સાથે મીડિયાનો એક વર્ગ પણ યોગી આદિત્યનાથના જૂના ભાષણોને ટીવી પર બતાવી રહ્યો છે. તેમનો ઉદ્દેશ મુખ્ય પ્રધાનની છબીને ખોટી રીતે રજૂ કરવાનો છે. આમ કરવાથી યોગી આદિત્યનાથને અન્યાય થઈ રહ્યો છે. તેમણે હજી મુખ્ય પ્રધાનપદ સ્વીકાર્યું છે ત્યારે આમ કરવું ઠીક નથી. યોગી આદિત્યનાથે કહ્યું છે કે તેમનો ઉદ્દેશ `સબકા સાથ, સબકા વિકાસ' છે. વેન્કૈયા નાયડુએ કહ્યું હતું કે ઉત્તર પ્રદેશ એક વિશાળ રાજ્ય છે અને પ્રદેશના અલગ અલગ ક્ષેત્રોના રાજકીય, સામાજિક અને આર્થિક સમીકરણોનું પૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે. આ સિવાય સમાજના અલગ અલગ વર્ગોને પણ પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે. વડા પ્રધાન મોદીએ પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ઉત્તર પ્રદેશનો વિકાસ સમગ્ર ભારતનો વિકાસ કરશે. નાયડુએ એમ પણ જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાનની પસંદગી કરવામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની કોઈ ભૂમિકા હતી નહીં.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer