સુરતના બે બ્રેઇનડેડ દરદીઓનાં અંગદાનથી આઠને નવજીવન

સુરત, તા. 21 : છેલ્લાં 48 કલાકમાં સુરતમાંથી બે બ્રેઈનડેડ વ્યક્તિઓનાં હૃદયનું સફળ ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે. ગ્રીન કોરિડોરની મદદથી સુરતથી એક હૃદય મધ્ય ભારતમાં અને બીજી હૃદય મુંબઈ મોકલાયું હતું. બન્ને બ્રેઈનડેડ વ્યક્તિઓનાં અંગદાનથી આઠ જરૂરિયાતમંદ દરદીઓનાં જીવનમાં પ્રકાશ ફેલાયો છે. 

15મી અૉગસ્ટે કચરાભાઈ ગંગારામ મોરે(ઉ.47) સામાજિક કાર્ય અર્થે બહાર ગામ ગયા હતા. પરત ફરતી વેળાએ તેમનું બાઈક સ્લીપ થતાં તેમને માથાનાં ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. 17મીએ તબીબોએ તેમને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. 

કચરાભાઈ મોરેનાં પરિવાર દ્વારા હૃદય સહિતનાં અંગોનું દાન કરાયું હતું. દાનમાં મળેલું હૃદય સુરતથી 450 કિલોમીટર દૂર ઈન્દોરની સીએચએલ હૉસ્પિટલમાં 21 વર્ષનાં એક યુવાન યોગેશ સરોજમાં સફળ ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. 

દાનમાં મેળવવામાં આવેલી બન્ને કિડની પૈકી એક કિડની અમદાવાદનાં રહેવાસી જયેશ મહેન્દ્રભાઈ ઠક્કર(ઉ.32) અને બીજી કિડની મધ્યપ્રદેશનાં રહેવાસી રમેશ મોતીલાલ નાગદા (ઉ.28)માં તેમ જ કચરાભાઈનું લિવર વડોદરાનાં રહેવાસી પ્રકાશભાઈ મોહનભાઈ પ્રજાપતિ (ઉ.40)માં ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. 

શહેરમાં હૃદય ટ્રાન્સપ્લાન્ટનાં બીજો બનાવ બે દિવસમાં બીજી વખત બન્યો હતો. આદિવાસી સમાજનાં દહાણુનાં રહેવાસી અને ખેતીકામ કરતાં બ્રેઈનડેડ વિલાસ જયરામ ઘાટાલનાં પરિવારે હૃદય સહિતનાં અંગોનું દાન કરીને માનવતાની મહેક પ્રસારી સમાજમાં નવી દિશા બતાવી છે. 

બ્રેઈનડેડ વિલાસ જયરામ ઘાટાલ(ઉ.30) દહીંહાંડીનાં ઉત્સવ દરમિયાન અકસ્માતનો ભોગ બન્યો હતો. શહેરની નવી સિવિલ હૉસ્પિટલનાં સર્જરી વિભાગમાં ઉપસ્થિત તબીબોની ટીમે તેમને બ્રેઈનડેડ જાહેર કર્યો હતો. ડોનેટ લાઈફ સંસ્થાનાં પ્રમુખ નિલેશભાઈ માંડલેવાળા અને તેની ટીમે હૉસ્પિટલ પહોંચીને પરિવારનાં સભ્યોને અંગદાન અંગે માહિતી આપી હતી. 

વિલાસ જયરામનું હૃદય સુરતથી હવાઈ માર્ગે 269 કિમીનું અંતર કાપીની મુંબઈની મુલુન્ડસ્થિત ફોર્ટિસ હૉસ્પિટલમાં પહોંચાડાયું હતું. જ્યાં ઉપસ્થિત તબીબોની ટીમે બ્રેઈનડેડ વ્યક્તિનું હૃદય સફળતાપૂર્વક રવિના શરદ અંતુરેકર (ઉ.20)માં ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. દાનમાં મેળવવામાં આવેલી બન્ને કિડની પૈકી એક કિડની ગાંધીધામનાં રહેવાસી જીમી અશોકભાઈ દાદલાની (ઉ.46) અને જાલાવાર રાજસ્થાનનાં રહેવાસી મીતીકા દુષ્યંત સોની (ઉ.27)માં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. જ્યારે લિવર ભાવનગરનાં રહેવાસી ઈશ્વરભાઈ કેશવભાઈ મેંદપડામાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. આ ઉપરાંત બ્રેઈનડેડ વિલાસનાં બન્ને ચક્ષુઓનું પણ દાન કરાયું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer