ટીમ ઇન્ડિયા ટી-20 શ્રેણી કબજે કરવા મેદાને પડશે

ટીમ ઇન્ડિયા ટી-20 શ્રેણી કબજે કરવા મેદાને પડશે
વેસ્ટ ઇન્ડિઝનું લક્ષ્ય જીત સાથે શ્રેણી જીવંત રાખવી : લખનઊમાં 24 વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાપસી: મોટા સ્કોરવાળી મૅચ નહીં હોય: કયુરેટર
લખનૌ, તા.પ: પહેલી ટી-20 મેચમાં દબાણમાં આવ્યા બાદ પ વિકેટે જીત મળ્યા બાદ હવે ભારતીય ટીમ અહીંના નવનિર્મિત ઇકાના સ્ટેડિયમ ખાતે જયારે બીજા ટી-20 મેચ માટે મેદાને પડશે ત્યારે તેનું લક્ષ્ય ત્રણ મેચની શ્રેણીમાં 2-0ની અતૂટ સરસાઇ હાંસલ કરવા પર હશે. લખનૌમાં 24 વર્ષના લાંબા ઇંતઝાર બાદ ઇન્ટરનેશનલ ક્રિકેટની વાપસી થઇ રહી છે. આ નવા સ્ટેડિયમના કયૂરેટરનું માનવું છે કે અહીંની પિચ બેટધરો માટે મુશ્કેલ બની રહેશે અને 130 ઉપરનું લક્ષ્ય હાંસલ કરવું પડકારરૂપ બની રહેશે. 
ભારતને પહેલા ટી-20 મેચમાં કોહલી અને ધોનીની ગેરહાજરી વચ્ચે 110 રનનું વિજય લક્ષ્યાંક હાંસલ કરવા માટે સંઘર્ષ કરવો પડયો હતો. આ દરમિયાન ટોચના પ બેટધર સુકાની રોહિત શર્મા, શિખર ધવન, કેએલ રાહુલ, રીષિભ પંત અને મનીષ પાંડે નિષ્ફળ રહયા હતા. પદાપર્ણ કરનાર કુણાલ પંડયા અને અનુભવી દિનેશ કાર્તિકની જવાબદાભરી ઇનિંગથી ભારતને આખરે 13 દડા બાકી રાખીને પ વિકેટે જીત નસીબ થઇ હતી. મેચ બાદ સુકાની રોહિત શર્માએ સ્વીકાર્યું હતું કે ટીમ આ વિજયથી ખુશ નથી. અમે આ મેચની ભૂલમાં શીખ લેશું. બીજી તરફ પ્રવાસી વેસ્ટ ઇન્ડિઝની ટીમનો ઇરાદો બીજા ટી-20 મેચમાં બેટિંગ સુધારવાનો રહેશે. તેના નવોદિત બોલર થોમસ અને સુકાની બ્રેથવેટે સારી બોલિંગ કરીને ભારતને ભીંસમાં લીધું હતું, પણ 109 રનનો સ્કોર ઘણો ઓછો પડયો હતો.
ઇકાના સ્ટેડિયમની પિચ વિશે કયૂરેટરે કહયું હતું કે અહીં નિશ્ચિત રીતે મોટા સ્કોરવાળો મેચ હશે નહીં. પિચની બન્ને તરફ સુકુ ઘાસ છે અને વચ્ચેથી પિચ તૂટેલી છે. શરૂઆતમાં સ્પિનરોની ભૂમિકા મહત્વની બની રહેશે. આથી ભારતીય ટીમમાં કોઇ ફેરફાર થશે નહીં. મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7-00 વાગ્યાથી શરૂ થશે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer