અવનિ વાઘણને પહેલાં ઠાર મારવામાં આવેલી અને પછી એના શરીરમાં તેને બેશુદ્ધ કરવાનું તીર ઘુસાડવામાં આવેલું ?

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ કહે છે, આ આક્ષેપની પણ તપાસ થશે
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 5 : મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આજે કહ્યું હતું કે વાઘણ અવનિને ઠાર મારવાની ઘટના દુ:ખદ છે અને આ ઘટનાની તપાસ કરવામાં આવશે.
યવતમાળ જિલ્લામાં બોરાટી વનક્ષેત્રમાં 149 નંબરના કમ્પાર્ટમેન્ટમાં વનવિભાગે આ આદમખોર વાઘણને ઠાર મારી હતી. વાઘણને ઠાર મારવા શાર્પ શૂટર અસગર અલીની મદદ લેવામાં આવેલી.
પત્રકારો સાથે વાત કરતા મુખ્ય પ્રધાને કહ્યું હતું કે વાઘણની હત્યા એઁ કોઈ ખુશીનો પ્રસંગ નથી. અવનિ વાઘણે 13થી 14 લોકોને મારી નાખેલા. એવો પણ આક્ષેપ છે કે પહેલા અવનિને ઠાર મારવામાં આવેલી અને પછી તેના શરીરમાં તેને બેભાન કરવાનું તીર ઘુસાડવામાં આવેલું. આ આક્ષેપની પણ તપાસ થશે. મને આ ઘટના વિશે જે પ્રાથમિક રિપોર્ટ આપવામાં આવ્યો છે એ અનુસાર વનવિભાગના સ્ટાફે પહેલા વાઘણને બેશુદ્ધ કરવાનો પ્રયાસ કરેલો, પણ વાઘણે સ્ટાફ પર ઍટેક કરતાં એને ઠાર મારવામાં આવી હતી.
મુખ્ય પ્રધાને કહ્યું હતું કે એક તરફ આપણે વાઘની વસતિ વધારવાની વાત કરીએ છીએ અને બીજી તરફ આવો કમનસીબ નિર્ણય લેવો પડે છે. વાઘ બહુ જેન્ટલમૅન હોય છે. તેના ક્ષેત્રમાં કોઈ ઘૂસણખોરી કરે ત્યારે જ એ હુમલો કરે છે.
કેન્દ્રીય પ્રધાન મેનકા ગાંધીએ અવનિને ઠાર મારવાની ઘટનાની કરેલી ટીકા વિશે પૂછવામાં આવતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે મેનકા ગાંધીએ જે ટીકા કરી છે એમાં તેમણે બહુ આકરી ભાષા વાપરી છે. માત્ર મેનકા ગાંધીના જ નહીં તમામ પશુપ્રેમીઓની ટીકા એકદમ આકરી રહી છે. વાઘણને ઠાર મારવાનો નિર્ણય બહુ કઠિન સંજોગોમાં લેવાયો હતો. લાગતાવળગતા લોકોએ પ્રોસિજરનું બરાબર પાલન કર્યું છે કે કેમ તેની તપાસ થશે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer