દુબઈમાં હીરાની ચોરી કરનાર ચીની દંપતી મુંબઈ ઍરપોર્ટ પર પકડાયું

મહિલાએ 3.27 કૅરેટનો ડાયમન્ડ પેટમાં છુપાવ્યો હતો
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 5 : દુબઈની એક શોપમાંથી આશરે 59 લાખ રૂપિયાના ડાયમન્ડ ચોરનાર ચીની કપલની વીસ કલાકની અંદર મુંબઈ ઍરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી.
ચીની મહિલાના પેટની અંદર 3.27 કેરેટનો ડાયમન્ડ છુપાવવામાં આવ્યો હતો. આ દંપતીએ દુબઈના કમર્શિયલ બિઝનેસ ડિસ્ટ્રિકટ ડિરામાની એક શોપમાંથી આ હીરા લૂંટયા હતા અને ત્યાંથી પલાયન થઈને મુંબઈ ઍરપોર્ટ આવ્યા હતા.
આ ચીની દંપતી મુંબઈ થઈને હૉંગકૉંગ જતું હતું. ઇન્ટરપોલ અને ભારતીય પોલીસની મદદથી ચીની કપલને પાછું યુનાઈટેડ આરબ અમિરાત મોકલી દેવામાં આવ્યું હતું.
દુબઈની પોલીસે હીરાચોર ચીની દંપતીના સીસીટીવી કૅમેરાના ફૂટેજ પણ રિલીઝ કર્યા હતા. વીડિયોમાં ચીની પૂર શોપના સ્ટાફનું ધ્યાન બીજે વાળવા ખાસ પ્રકારના નંગ બતાવવાની સૂચના આપે છે, જ્યારે તેની સાથી ડિસપ્લેનો દરવાજો ખોલી સફેદ રંગના હીરાની ચોરી કરતી દેખાય છે. આ દંપતીએ હીરાની ચોરીની કબૂલાત કરી લીધી છે. ચોરી થઈ એના ત્રણ કલાક બાદ શોરૂમના માલિકને તફડંચીની ખબર પડી હતી.
આ મહિલાનો એક્સ રે પાડવામાં આવ્યો હતો અને ત્યાં તેણે હીરા છુપાવ્યા હોવાની ખબર પડી હતી. હીરાને પેટમાંથી બહાર કાઢવા સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરને બોલાવવામાં આવ્યો હતો. ડૉકટરે મહિલાને ખાસ પ્રકારનું સોલ્યુશન પણ પીવડાવ્યું હતું. મહિલાએ કહ્યું હતું કે ચોરી કર્યા બાદ હું ડાયમંડ ગળી ગઈ હતી.
 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer