હજી અઠવાડિયું મુંબઈમાં ગરમીનો પારો ઊંચો રહેશે

મુંબઈ, તા. 5 : ચાર દાયકામાં સૌથી ગરમ દિવસ તરીકે શનિવાર ત્રીજી નવેમ્બરનો દિવસ નોંધાયો હતે. આ અઠવાડિયે પણ મુંબઈગરાને ગરમી સહન કરવી પડે તેવી શક્યતા છે. આવનારા અઠવાડિયામાં ઉષ્ણતામાનનો પારો 37 ડિગ્રી સેલ્શિયસ સુધી પહોંચવાની શક્યતા ઉષ્ણતામાન વિભાગે વર્તાવી છે.
વેધશાળાએ કરેલા અનુમાન મુજબ, 10 નવેમ્બર સુધી ઉષ્ણતામાનનો પારો મહત્તમ 36 ડિગ્રી સેલ્શિયસ સુધી પહોંચવાની શક્યતા છે. જ્યારે લઘુતમ 23 ડિગ્રી સેલ્શિયસ સુધી રહેશે. 
આ વર્ષે અૉક્ટોબર મહિનામાં પણ સૌથી વધુ ગરમી પડી હતી. રવિવારે 28 અૉક્ટોબરે સૌથી વધુ સાંતાક્રુઝમાં 38 ડિગ્રી ગરમી નોંધાઈ હોવાની માહિતી વેધશાળાએ આપી હતી. જ્યારે રવિવારે ચોથી નવેમ્બરે ઉષ્ણતામાનનો પારો બે ડિગ્રી ઓછો થઈને 35.1 ડિગ્રી નોંધાયો હતો. જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 56 ટકા નોંધાયું હતું. શનિવારે 37.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જે સામાન્ય કરતાં 3.4 ડિગ્રી વધુ હતું. છેલ્લે મહત્તમ તાપમાન 1979 અને 2003 માં 37.4 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે છેલ્લા દશકમાં સૌથી વધુ 37 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
વેધશાળાના અધિકારીએ કહ્યું હતું કે, પવન વહેલી સવારે અને રાત્રે પૂર્વ તરફ હોય છે. જ્યારે દિવસ દરમ્યાન પવન વાયવ્ય તરફ વાતો હોય છે. સમુદ્રના પવનો મુંબઈ પર વાય છે તેમાં થોડી ઢીલ થતી હોવાથી વાતાવારણમાં ઉકળાટ અનુભવાય છે. આવનારા દિવસોમાં પણ પરિસ્થિતિ આવી જ રહે તેવી શક્યતા છે.

Published on: Tue, 06 Nov 2018

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer