દિવાળીમાં મ્હાડાએ આપ્યા આનંદના સમાચાર : આજથી અૉનલાઈન ફૉર્મ ભરી શકાશે

અમારા પ્રતિનિધિ તરફથી,
મુંબઈ, તા. 5 : મુંબઈમાં પોતાનું ઘર લેવા ઈચ્છનારાઓ માટે દિવાળીના મૂરતે મ્હાડાએ આનંદના સમાચાર આપ્યા છે. મ્હાડાનાં મુંબઈમાંના 1384 ઘરોની લૉટરી માટે આજે જાહેરખબર પ્રસિદ્ધ થઈ છે. આજથી અૉનલાઈન રજિસ્ટ્રેશન શરૂ થઈ ચૂક્યું છે. 
મ્હાડાનાં ઘર માટે પાંચમી નવેમ્બરે બપોરે બે વાગ્યાથી અરજી ભરવાનું શરૂ થઈ ચૂક્યું છે. અરજી કરવાની છેલ્લી તારીખ 10 ડિસેમ્બર છે. એ દિવસે રાતે 12 વાગ્યા સુધી અરજી કરી શકાશે. ત્યાર બાદ 16 ડિસેમ્બરે સવારે 10 વાગ્યે 1384 ઘરોનો ડ્રૉ નીકળશે.
મ્હાડાએ આ વર્ષે ઘર માટે કિંમતનું નવું ઘોરણ તૈયાર કર્યું છે. એ મુજબ મ્હાડાનાં ઘરની કિંમત આ વખતે 20થી  25 ટકા ઘટાડવામાં આવી છે. જોકે, એમ છતાં મ્હાડાએ આ વખતે સૌથી વધુ કિંમતનાં ઘરનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ગ્રાન્ટ રોડમાં મ્હાડાના એક ઘરની કિંમત 5.80 કરોડ રૂપિયા છે, તો સૌથી સસ્તાં ઘર 14.62 લાખ રૂપિયા છે.
ક્યાં કેટલાં ઘર?
વડાલાના ઍન્ટોપ હિલમાં 278, સાયનના પ્રતીક્ષાનગરમાં 89, મુલુન્ડના ગવાણપાડામાં 269, માનખુર્દના પીએમજીપીમાં 316, ગોરેગામ- વેસ્ટના સિદ્ધાર્થનગરમાં 24, કાંદિવલી-વેસ્ટના મહાવીરનગરમાં 170, પવઈના તુંગાગાવમાં 101, મુંબઈ ઈમારત સમારકામ તથા પુનર્રચના મંડળ મારફત પ્રાપ્ત ઘરો 50, વિકાસ નિયંત્રણ વિનિમય 33(5) અંતર્ગત પ્રાપ્ત ઘરો 19 તથા અન્ય જગ્યાએ 19 ઘરો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer