પુણેમાં જોરદાર વરસાદ

અમારા પ્રતિનિધિ તરફથી
પુણે, તા. 5 : રવિવારે અને સોમવારે સવારે તૂટી પડેલા ભારે વરસાદે પુણેના માર્કેટ યાર્ડ સામેના રસ્તાઓ પર ભારે ટ્રાફિક જામ સરજ્યો હતો. દરેક રસ્તાઓ પર પાણી ભરાયાં હતાં. હવામાન ખાતાએ કરેલા અંદાજ મુજબ ગઈ કાલે રવિવારે બપોરે અને આજે સવારે પુણેમાં જોરદાર વરસાદ પડયો હતો. કોકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં  4 અને 5 નવેમ્બરે અમુક ઠેકાણે વરસાદ પડવાની શક્યતા હવામાન ખાતાએ દર્શાવી હતી. જોકે એ પ્રમાણે અકોલા, પુણે અને કોકણમાં પણ ભારે પ્રમાણમાં વરસાદ થયો હતો.
મનમાડ, માલેગાવ, ચાંદવડ, યેવલા, નાંદગાવ વિસ્તારોમાં વરસાદનું આગમન થયું હતું. વીજળીના કડાકાભડાકા બાદ અડધા કલાક સુધી પડેલા વરસાદે ચાંદવડ અને માલેગાવને ધમરોળ્યાં હતાં. વરસાદ શરૂ થયા બાદ વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો. નાંદગાવ તાલુકાના પિંપરાળેમાં શરીર પર વીજળી પડતાં મહાદેવ સદગીર નામના શખસનું મૃત્યુ થયું હતું. એ જ પ્રમાણે આજે સવારે માવળ તાલુકામાં પણ વીજળીના કડકાભડાકા સાથે જોરદાર વરસાદ તૂટી પડયો હતો, જેમાં નસાવે ગામમાં વીજળી પડતાં બે વ્યક્તિનાં મૃત્યુ થયાં હતાં.
ઘુળે શહેર સહિત જિલ્લાના અમુક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડયો હતો. જળગાવ શહેર અને જિલ્લામાં મધરાતે કમોસમી વરસાદ પડયો હતો એને લીધે હવામાં ટાઢક પ્રસરી ગઈ હતી.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer