રામમંદિર નિર્માણ માટે સરકારમાં ચર્ચા થઈ નથી : શાહનવાઝ

નવી દિલ્હી, તા. 5 : અયોધ્યામાં રામ મંદિરના નિર્માણને લઈને એક બાજુ જ્યાં સાધુ સંતોની ધીરજ ખૂટી રહી છે અને મોદી સરકારને તાકીદે વટહુકમ લાવવાનું અલ્ટીમેટમ આપ્યું છે. તો બીજી તરફ સરકારમાં અત્યાર સુધી રામ મંદિર ઉપર હજી સુધી ચર્ચા પણ કરવામાં આવી નથી. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શાહનવાઝ હુસૈનને કહ્યું હતું કે, રામ મંદિરનો મામલો છેલ્લા આઠ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં હોવાથી જનતા કાયદો બનાવવાની માગણી કરી રહી છે. જો કે હજી સુધી પક્ષમાં આ મામલે કોઈપણ ચર્ચા કરવામાં આવી નથી. 
રવિવારે દિલ્હીમાં ધર્માદેશ કાર્યક્રમના સમાપનમાં દેશભરથી આવેલા સંતોએ રામ મંદિર નિર્માણનો પ્રસ્તાવ પસાર કર્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે, રામ મંદિરના નિર્માણ માટે કોઈપણ જાતની સમજૂતિ કે વાતચીત થશે નહીં અને સરકાર બને તેટલી ઝડપથી મંદિરના નિર્માણ માટે વટહુકમ લાવે. આ મામલે ભાજપના પ્રવક્તા શાહનવાઝ હુસૈને રામ મંદિરના નિર્માણની માગણીને સંતોનો અધિકાર ગણાવ્યો હતો. વધુમાં એમ પણ કહ્યું હતું કે, છેલ્લા આઠ વર્ષથી રામ મંદિર-બાબરી મસ્જિદ વિવાદ કોર્ટમાં હોવાથી જનતા કાયદો બનાવવાની માગણી કરી રહી છે. આ સાથે ભાજપ પ્રવક્તાએ એમ પણ કહ્યું હતું કે, હજી સુધી ભાજપમાં રામ મંદિરના નિર્માણ માટે કોઈપણ જાતની ચર્ચા કરવામાં આવી નથી. 
 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer