આંતરરાજ્ય કુખ્યાત ગૅન્ગસ્ટરો અંકલેશ્વરમાંથી ઝડપાયા, પોલીસ ઉપર કર્યું ફાયરિંગ

અમારા પ્રતિનિધિ તરફથી
વડોદરા, તા.5 : બે કુખ્યાત ગૅન્ગસ્ટરને પકડવા ગયેલી આર.આર.સેલની ટીમ અને ભરૂચ પોલીસ પર એક ગૅન્ગસ્ટરે ફાયરિંગ કર્યું હતું. પોલીસે જવાબમાં બે રાઉન્ડ ફાયરિંગ કરીને બંને ગૅન્ગસ્ટરને ઝડપી પાડયા હતા. 
ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ જેવા સહિતના રાજ્યોમાં લૂંટ, ધાડ, અપહરણ અને પોલીસ પર ફાયરિંગ સહિતના ગુનાઓમાં સંડોવાયેલા બે કુખ્યાત ગૅન્ગસ્ટર અંકલેશ્વરના જનતાનગર વિસ્તારમાં આવેલી સરસ્વતી સ્કૂલ પાસે છુપાયા હોવાની માહિતી આર.આર. સેલને મળી હતી. જેથી આર.આર.સેલ અને ભરૂચ ક્રાઈમ બ્રાંચ, અંકલેશ્વર જીઆઈડીસી અને તાલુકા પોલીસ સાથે મળીને બંને ગૅન્ગસ્ટરને પકડવા માટે અૉપરેશન હાથ ધર્યું હતું. કુખ્યાત ગૅન્ગસ્ટર બ્રિજ ભુષણ પાંડે ઉર્ફેં બુતુલ પાંડે અને મુન્ના પાંડેને પકડવા ગયેલી ટીમ પર મુન્ના પાંડેએ ફાયરિંગ કર્યું હતું. પોલીસે પણ જવાબમાં ફાયરિંગ કરતા મુન્નાને હાથમાં ઈજા થઈ હતી. પોલીસે ઘટના સ્થળેથી જ બંને ગૅન્ગસ્ટરને પકડી પાડયા હતા. આ સમગ્ર અૉપરેશન અડધો કલાક ચાલ્યું હતું. 
પોલીસે બે રાઉન્ડ ફાયરિંગ કરતાં આરોપી મુન્નાને હાથમાં ઈજા થઈ હતી. જેથી હાલ મુન્નાની ભરૂચ સિવિલ હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer