મોદીની હિટલર સાથે સરખામણી : ઇન્દિરાનું ઉદાહરણ આપી ભાજપનો વળતો પ્રહાર

આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 5 : વડા પ્રધાન નરન્દ્ર મોદીની હિટલર સાથે સરખામણી કરતી કૉંગ્રેસ પર પ્રહાર કરવા રવિશંકર પ્રસાદે આજે ઇન્દિરા ગાંધીનું ઉદાહરણ આપ્યું હતું અને તેમની તુલના પણ હિટલર સાથે જ કરી હતી.
કેન્દ્રના કાયદાપ્રધાન રવિશંકર પ્રસાદે કૉંગ્રેસ પર વળતો પ્રહાર કરતાં રાહુલ ગાંધીને તેમના નેતાઓ જાહેરમાં જે આક્ષેપો કરી રહ્યા છે તેનો પ્રતિસાદ આપવા જણાવ્યું હતું.
ભાજપ પ્રતિમાઓનું રાજકારણ કરે છે એવું નિવેદન કરનારા અને વડા પ્રધાનની તુલના હિટલર સાથે કરનારા કૉંગ્રેસના નેતાઓ મલ્લિકાર્જુન ખડગે અને પી. ચિદમ્બરમ પર રવિશંકર પ્રસાદે પ્રહારો કર્યા હતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જર્મન તાનાશાહ એડોલ્ફ હિટલર સાથે સરખામણી કરવા માટે કૉંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે પર વળતો પ્રહાર કરતાં રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે, `ખડગેજી મોદીજીની તુલના હિટલર સાથે કરી રહ્યા છે. હું તેમને એ કહેવા માગું છું કે, એ તો ઇન્દિરાજી હતાં જેઓ હિટલરની જેમ શાસન કરતાં હતાં. ગાંધી પરિવારના કહ્યા વિના એક ઈંચ પણ આગળ નહીં વધતાં ખડગેજી તમને શરમ આવવી જોઈએ.'
પ્રસાદે પી. ચિદમ્બરમને પણ આડે હાથ લીધા હતા અને જણાવ્યું હતું કે, `હમણાં હમણાં રાહુલ ગાંધી ઘણાં મંદિરોની મુલાકાતો લઈ રહ્યા છે અને પોતાને શિવભક્ત કે રામભક્ત ગણાવી રહ્યા છે. બીજી તરફ પક્ષના નેતા પી. ચિદમ્બરમ રામમંદિરના વિચારની અને લોખંડી પુરુષ સરદાર પટેલને સમર્પિત સ્ટેચ્યુ અૉફ યુનીટીની હાંસી ઉડાવી રહ્યા છે.'
 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer