મુખ્ય પ્રધાનને ફરિયાદ કરવાને બદલે મેનકા ગાંધી ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ કરાવી શકે છે : સુધીર મુનગંટ્ટીવાર

મુખ્ય પ્રધાનને ફરિયાદ કરવાને બદલે મેનકા ગાંધી ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ કરાવી શકે છે : સુધીર મુનગંટ્ટીવાર
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 5 : અવનિ વાઘણને ઠાર મારવાની ઘટનાની આકરા શબ્દોમાં ટીકા કરનાર કેન્દ્રીય પ્રધાન મેનકા ગાંધીની મહારાષ્ટ્રના વનપ્રધાન સુધીર મુનગંટ્ટીવારે આજે ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે મેનકા ગાંધીને આ ઘટના વિશે પૂરી માહિતી નથી અને તેઓ ઈચ્છે તો આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ કરાવી શકે છે.
મેનકા ગાંધીએ કહ્યું હતું કે અવનિને ઠાર મારવાની ઘટના ગુનાનો સીધો કેસ છે અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન સમક્ષ હું આ ઘટના વિશે જોરદાર રજૂઆત કરવાની છું.
મેનકા ગાંધીની ટીકા વિશે બોલતા સુધીર મુનગંટ્ટીવારે કહ્યું હતું કે મને એવું લાગે છે કે આ ઘટનાની તેમની પાસે પૂરેપૂરી માહિતી નથી. પ્રધાન તરીકે મારી પાસે કે પછી મારા મંત્રાલયમાંના એકેય સચિવ પાસે આવી રીતે કોઈ પશુને ઠાર મારવાનો અધિકાર નથી. આવા નિર્ણય નેશનલ ટાઈગર કન્ઝર્વેશન અૉથોરિટીની ગાઈડલાઈન્સ પ્રમાણે જ લેવાય છે. મેનકા ગાંધી પશુપ્રેમી છે. જોકે, તેઓ મહિલા અને બાળવિકાસ પ્રધાન છે. અવનિ વાઘણે જે મહિલાઓનો શિકાર કર્યો છે એનો પણ મારે તો વિચાર કરવો પડે. જો તેઓ ધારે તો નેશનલ ટાઈગર કન્ઝર્વેશન અૉથોરિટીની ગાઈડલાઈન્સમાં સુધારા-વધારા કરી શકે છે.
સુધીર મુનગંટ્ટીવારે વધુમાં કહ્યું હતું કે વાઘણે જ્યારે પાંચ વ્યક્તિનો ભોગ લીધેલો ત્યારે તેને જીવતી પકડવાનો આદેશ આપવામાં આવ્યો હતો, પરંતુ એનિમલ એક્ટિવિસ્ટો મુંબઈ હાઈ કોર્ટમાંથી સ્ટે અૉર્ડર લઈ આવ્યા હતા. આ સ્ટેને લીધે અવનિએ વધુ લોકોનો ભોગ લીધો હતો.તેમણે 50 પૈસા ખર્ચીને મને ફોન કર્યો હોત તો મેં તેમને બધો ખુલાસો કરી દીધો હોત.
 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer