અંબરનાથમાં ટ્રૅક પાસેની કેમિકલ ફૅકટરીમાં ભીષણ આગ, લોકલ સર્વિસ પણ અટકી પડી

અંબરનાથમાં ટ્રૅક પાસેની કેમિકલ ફૅકટરીમાં ભીષણ આગ, લોકલ સર્વિસ પણ અટકી પડી
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 5 : અંબરનાથની એક કેમિકલ ફૅકટરીમાં આજે બપોરે ભીષણ આગ લાગી હતી અને એમાં ચાર કામદારો દાઝી ગયા હતા. આગના ધુમાડાને કારણે સેન્ટ્રલ રેલવેને પણ તેની સર્વિસ અટકાવી દેવાની ફરજ પડી હતી. રેલવે ટ્રેકથી આ કેમિકલ ફૅકટરી માત્ર 100 મીટર દૂર આવેલ છે.
અંબરનાથ એમઆઈડીસી ફાયર બ્રિગેડના અધિકારીઓએ કહ્યું હતું કે આગ બપોરે બે વાગ્યાની આસપાસ પરસીયા કેમિકલ ફૅકટરીમાં લાગી હતી. આ ફૅકટરી મોરીવલી એમઆઈડીસી એરિયામાં આવેલી છે.
આગ એટલી ભીષણ હતી કે અંબરનાથ, બદલાપુર, કલ્યાણ અને ઉલ્હાસનગરથી બંબાઓને બોલાવવામાં આવ્યા હતા.
આગ લાગી એ સમયે કુલ તેર વર્કર્સ ફૅકટરીમાં હતા અને તેઓ જાન બચાવવા દોડીને બહાર આવી ગયા હતા. જોકે, ચાર જણ ઘાયલ થયા હતા અને તેમને નજીકની હૉસ્પિટલમાં એડ્મિટ કરવામાં આવ્યા હતા. આ ચારેય ભયમુક્ત હોવાનું કહેવાય છે.
ફાયર બ્રિગેડના અધિકારીઓએ કહ્યું હતું કે, આગ પર કાબૂ મેળવી લેવાયો છે અને અત્યારે કુબિંગ અૉપરેશન ચાલુ છે.
સેન્ટ્રલ રેલવેના પ્રવકતા સુનીલ ઉદાસીએ કહ્યું હતું કે અંબરનાથ અને બદલાપુર વચ્ચેની ડાઉન લાઈન બપોરે 3.53થી 4.20 સુધી સાવચેતી ખાતર બંધ કરી દેવામાં આવી હતી. આગને કારણે ટ્રેક વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા સર્જાયા હતા. એક લોકલ ટ્રેન અને એક લાંબા અંતરની ટ્રેન ધુમાડામાં ટ્રેક પર થોડીવાર માટે ફસાઈ ગઈ હતી. જોકે, આ ઘટનાને કારણે એકેય સર્વિસ કેન્સલ કરવામાં આવી નહોતી.
ઘટનાસ્થળે એમઆઈડીસીના અધિકારીઓ અને ફૅકટરી ઇન્સ્પેકટરો પણ દોડી ગયા હતા, જ્યારે પોલીસે પણ આ ઘટના સંબંધે ગુનો નોંધ્યો છે.
 
 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer