સુરતથી વતન જવા રોડ, જળ અને હવાઈ તમામ માર્ગે ભારે ધસારો

સુરતથી વતન જવા રોડ, જળ અને  હવાઈ તમામ માર્ગે ભારે ધસારો
ઉત્તર ભારત જતી ટ્રેનોમાં બેસવા લોકોના આગલા દિવસથી સ્ટેશને ધામા
ખ્યાતિ જોશી તરફથી
સુરત, તા. 5 : રાજ્યની આર્થિક રાજધાની સુરત શહેરને પ્રવાસી શહેર તરીકે પણ ઓળખાવમાં આવે છે. હીરા અને કાપડઉદ્યોગમાં રોજગારી મેળવવા માટે દેશભરમાંથી લોકો સુરત શહેરમાં આવે છે. પરંતુ, ઉનાળુ વેકેશન અને દિવાળીનાં તહેવારોમાં કારીગર વર્ગ પરિવાર સાથે પોતાનાં વતનની વાટ પકડે છે. દર વર્ષની માફક આ વર્ષે પણ સૌરાષ્ટ્ર અને ઉત્તર ભારતીય લોકોએ પરિવારનાં લોકો સાથે દિવાળીનાં તહેવારની રજાઓ માણવા માટે ગઈકાલથી જ વતનની વાટ પકડી છે. જેનાં કારણે તમામ માર્ગો ભરચક થયા છે. રોડ-રેલ, હવાઈ અને દરિયાઈ માર્ગે વતન જવા માટે લોકોની ભારે ભીડ ઉમટી છે. 
65 લાખ લોકોને સમાવતાં સુરત શહેરમાં અડધો કરતાં વધુ વસ્તી બહારથી આવીને વસેલાં લોકોની છે. ઉત્તર ભારત, ઈશાન, મહારાષ્ટ્ર અને રાજ્યનાં સોરાષ્ટ્રનાં ખૂણે-ખૂણેથી આવીને લોકો સુરતમાં વસ્યા છે. તહેવારોની ઉજવણી પરિવાર સાથે કરવા માટે લોકો હંમેશની માફક પોતાના વતનની વાટ પકડે છે. સૌરાષ્ટ્રનાં અનેક પરિવારો સુરતમાં વસે છે. દર વર્ષે દિવાળીનાં તહેવારમાં સુરત વસતાં લોકો સૌરાષ્ટ્ર જાય છે. જે માટે એસટી વિભાગ દ્વારા વિશેષ બસો દોડાવાય છે. 
આ વર્ષે એસટી વિભાગે 500થી વધુ ટ્રીપ સૌરાષ્ટ્ર તરફ દોડાવવાનું અને આ માટે ગ્રુપ બુકિંગ પણ શરૂ કરાયું છે. ગઈકાલે જ વેકેશનનાં પ્રથમ દિવસે જ એસટી વિભાગને રૂા. 24 લાખની આવક થઈ છે. પ્રથમ દિવસે સેન્ટ્રલ બસ સ્ટેન્ડ રાતે બે કલાક સુધી ધમધમ્યું હતું. સૌરાષ્ટ્ર ઉપરાંત દાહોદ-ગોધરા અને બનાસકાંઠા તરફ જવા માટે એસટી વિભાગ દ્વારા વધારાની બસો દોડાવવામાં આવી હતી. કરંટ અને ગ્રુપ બુકિંગની કુલ 156થી વધુ ટ્રીપ એસટી વિભાગે દોડાવી હતી. સાડા આઠ લાખની આવક એકલા દાહોદનાં મુસાફરોની ટિકિટથી એસટી વિભાગને થઈ છે. દાહોદ-ગોધરા તરફથી બાંધકામ ક્ષેત્રે રોજગારી અર્થે આવતાં મજૂર વર્ગો માટે એસટી વિભાગે સેન્ટ્રલ બસ સ્ટેન્ડની ઉપરાંત પાલનપુર, સુભાષગાર્ડન અને રામનગર વિસ્તારમાંથી બસ ઉપાડી હતી. એસટી વિભાગે દાહોદ-ગોધરા તરફ 300 ટ્રીપ દોડાવવાનું આયોજન કર્યું છે.
ટ્રેન માર્ગે પણ આ જ પ્રકારનાં ધસારાની સ્થિતિ સર્જાઈ છે. રાજ્યમાં મુસાફરી કરવા માટે એસટી વિભાગે રંગ રાખ્યો છે. પરંતુ, રેલવે દ્વારા તહેવારોને ધ્યાને રાખીને ઉત્તર ભારત તરફ વધારાની ટ્રીપો દોડાવવાનું આયોજન કર્યું હોવા છતાં રેલવે સ્ટેશને હજારો મુસાફરોને ટ્રેનમાં બેસવા કે ઊભા રહેવાની જગ્યા ન મળતાં ટ્રેન છોડવી પડી હતી. ઉત્તર ભારતનાં રાજ્યો માટેની ખાસ પસંદીદા તાપ્તી ગંગા ટ્રેન તેમ જ ફિરોઝપુર જનતા, જયપુર એક્સ્પ્રેસ, માલડા એક્સ્પ્રેસ, પશ્ચિમ એક્સ્પ્રેસમાં પ્રવાસ કરવા માટે સુરત સ્ટેશને આગલાં દિવસથી જ મુસાફરોનાં ધામા થઈ રહ્યા છે. ગઈકાલે એક હજારથી વધુ મુસાફરો આગળનાં સ્ટેશનથી ટ્રેન ભરાઈને આવતી હોવાથી ચઢી શક્યા ન હતા. 
રોડ-રેલ, સમુદ્ર બાદ હવાઈ માર્ગે પણ મુસાફરોનો ધસારો છે. સુરતથી ભાવનગરની હવાઈ યાત્રાની ટિકિટ મોંઘી બની છે. તેમ જ ઉત્તર ભારતની સુરતથી દિલ્હીની ઍર ટિકિટનાં ભાવમાં ત્રણ ગણો વધારો નોંધાયો છે. સુરતથી રોજની ત્રીસ ફલાઈટનું આવાગમન થાય છે. આગામી 14મી નવેમ્બર સુધી તમામ ફ્લાઈટનું બુકિંગ ફુલ છે. ગોવાની બબ્બે ફ્લાઈટ અને હૈદરાબાદની ત્રણેય ફ્લાઈટ ફુલ જાય છે. 
રો-રો ફેરી સર્વિસમાં વાહન સાથે લઈ જવા ભારે ભીડ
રોડ-રેલ ઉપરાંત આ વર્ષે પ્રથમ વખત દરિયાઈ માર્ગે પણ સુરતથી વતન સૌરાષ્ટ્ર જવા માટે ભારે ભીડ જોવા મળે છે. રો-રો ફેરીમાં વાહન પણ લોડ કરી શકાતા હોવાથી વતન સૌરાષ્ટ્ર જવા ઉત્સુક લોકો સુરતથી દહેજ સુધી ટ્રાન્સપોર્ટમાં અને દહેજથી વતન ભાવનગર જનાર વર્ગ ઘોઘા સુધી રો-રો ફેરીમાં પોતાના વાહન લઈ જઈ રહ્યા છે. દહેજ-ઘોઘા રો-રો  શરૂ થતાં સૌરાષ્ટ્રવાસીઓનો ઉત્સાહ બેવડાયો છે. બપોરનું જમણ સુરતમાં અને સાંજનું વાળું વતનમાં કરવાનો હરખ લોકોનાં ચહેરા પર સ્પષ્ટ નજરે પડી રહ્યો છે. ટુ-વ્હીલરનાં બુકિંગમાં પણ ભારે ભીડ છે. તેમ જ ટુ-વ્હીલરનો ચાર્જ માત્ર દોઢસો રૂપિયા રાખવામાં આવ્યો છે. જે સામાન્ય લોકોને પોષાય તેવો છે. નવમી નવેમ્બર સુધીની તમામ રો-રો ફેરીનું બુકિંગ હાઉસફુલ છે.
 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer