પીએસઆઈની ઈમાનદારી : રસ્તા પરથી મળેલી રૂા. 1.16 લાખ ભરેલી બૅગ વેપારીને પરત કરી

પીએસઆઈની ઈમાનદારી : રસ્તા પરથી મળેલી રૂા. 1.16 લાખ ભરેલી બૅગ વેપારીને પરત કરી
અમારા પ્રતિનિધિ તરફથી 
વડોદરા, તા. 5 : ભ્રષ્ટાચારથી ખદબદતા પોલીસ તંત્રમાં હજુ પણ ઈમાનદાર પોલીસ જવાનો ફરજ બજાવે છે. આવા જ એક પોલીસ અધિકારીની ઈમાનદારીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વડોદરાના નવાપુરા પોલીસ મથકના પીએસઆઈને રસ્તા ઉપરથી રૂપિયા 1.16 લાખ ભરેલી મળી આવેલી બેગ તેના મૂળ માલિકને પહોંચતી કરી હતી. રાત-દિવસ મહેનત કરીને કમાયેલા રૂપિયા પોલીસ મથકમાંથી પરત મળતા વેપારી ગદગદીત થયો હતો. 
પ્રાપ્ત વિગત મુજબ અબ્દુલ કાદર મહમ્મદભાઈ કાલાવડીયા સેકટર-4 એ , પ્લોટ નં. 244 -2 ગાંધીનગર ખાતે રહે છે અને વિવિધ શહેરોમાં હેન્ડલૂમ એક્ઝિબિશનનું આયોજન કરીને ગુજરાન ચલાવે છે. તેઓ રવિવારે વડોદરા આવ્યા હતા અને ઉઘરાણીના રૂા.1.16,560 કારની ડિકીમાં મૂકીને સાંજના સમય ગાંધીનગર પરત જઈ રહ્યા હતા. દરમિયાન અબ્દુલ કાદરભાઈ કાલાવડીયાની રોકડ રકમ મૂકેલી બેગ તેઓની કારની ખુલ્લી રહી ગયેલી ડીકીમાંથી નવાપુરા પોલીસ મથકની હદમાં કોઈ જગ્યાએ પડી ગઈ હતી. મોડી સાંજે નવાપુરા પોલીસ મથકના પીએસઆઈ એ.આર.મહિડા , હે.કો.નરસિંહભાઈ ગોરધનભાઈ નવાપુરા -1 મોબાઈલમાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. તે સમયે તેઓને આર.વી.દેસાઈ રોડ પાસે રસ્તો ઉપર કાળા કલરની બેગ મળી આવી હતી. બેગમાં વિઝિટીંગ કાર્ડ  અને મોબાઈલ નં. હોવાથી વેપારીને પોલીસ મથક બોલાવી તેમની બેગ પરત આપી હતી.
 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer