અરિહંતનો `અશ્વમેધ'' પૂર્ણ; ચેતી જાય દુશ્મનો

અરિહંતનો `અશ્વમેધ'' પૂર્ણ; ચેતી જાય દુશ્મનો
દેશને `ધનતેરસની ભેટ' વર્ણવીને વડા પ્રધાને પાકિસ્તાન - ચીન પર તાક્યું નિશાન
નવી દિલ્હી, તા. 5 (પીટીઆઈ): આજે પ્રથમ અભિયાન સંપન્ન કરનારી ભારતની પ્રથમ પરમાણુ સબમરીન આઇએનએસ અરિહંત દેશને સમર્પિત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અરિહંતને `ધનતેરસની ભેટ' ગણાવી હતી અને ચીન તેમજ પાકિસ્તાન પર પ્રહાર કરતાં વડાપ્રધાને જણાવ્યું હતું કે, આ શક્તિશાળી સબમરીનની મદદથી ભારત દુશ્મનોને જડબાંતોડ જવાબ દેવામાં સક્ષમ બનશે. પાડોશી દેશેમાં પરમાણુ હથિયારોમાં સતત વધારો થઇ રહ્યો છે તેવા સમયે ભારતમાં વિશ્વસનીય પરમાણુ ક્ષમતા જરૂરી બની છે. આપણે અરિહંતના માધ્યમથી કોઇપણ પડકાર સામે લડી શકશું તેવો વિશ્વાસ વડાપ્રધાને પાક અને ચીન પર નિશાન સાધતાં વ્યક્ત કર્યો હતો.
અરિહંતનો અર્થ દુશ્મનને નષ્ટ કરનાર તેવો થાય છે. આઇએનએસ અરિહંત સવાસો કરોડ ભારતીયોની સુરક્ષાની ગેરંટી સમાન છે તેવું મોદીએ ઉમેર્યું હતું. આ આપણા દેશની મોટી સિદ્ધિ છે. અરિહંત ભારતના તેમજ શાંતિના દુશ્મનોને દુ:સાહસ ન કરવાની ખુલ્લી ચેતવણી છે.
આજે ધનતેરસના શુભ દિવસે દરેક ભારતીયનું માથું ગર્વથી ઊંચું થઇ જાય તેવી ઘટના બની છે. હું અરિહંત સાથે જોડાયેલા દળને સફળ પરીક્ષણ બદલ અભિનંદન આપું છું તેવું વડાપ્રધાને કહ્યું હતું.
મોદીએ એવું પણ કહ્યું હતું કે, ન્યુક્લિયર ટ્રાઈએંગલની સ્થાપના પર મને પૂર્વ રાષ્ટ્રપતિ ડો. અબ્દુલ કલામ અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી ઘણા યાદ આવે છે. ભારત કોઇને છેડતું નથી અને જો કોઇ ભારતને છેડે, તો ભારત તેને છોડતું નથી. અમારા પરમાણુ પ્રસાર આક્રમણનો હિસ્સો તો નથી જ, પરંતુ આ દેશ માટે સુરક્ષાનું ઉપકરણ જરૂર છે તેવું વડાપ્રધાને જણાવ્યું હતું.
શાંતિ, સુરક્ષા અને સ્થિરતા માટે ભારતની પરમાણુ ક્ષમતા ભારે મહત્ત્વ ધરાવે છે. સમગ્ર વિશ્વને વિશ્વાસ છે કે ભારત એક  જવાબદાર પરમાણુ હસ્તી છે. અમે વિશ્વશાંતિ માટે હરહંમેશ અગ્રેસર રહ્યા છીએ અને ભવિષ્યમાં પણ રહેશું તેવો નિર્ધાર મોદીએ વ્યક્ત કર્યો હતો.
સંરક્ષણપ્રધાન નિર્મલા સીતારમણે પણ ભારતની આ સફળતા બદલ ટ્વિટ કરીને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે, અરિહંતના સફળ અભિયાન સાથે જ ભારતે પરમાણુ સબમરીનોનાં નિર્માણ અને સંચાલન કરી શકતા દેશોની હરોળમાં સ્થાન મેળવી લીધું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ સફળ અભિયાન બદલ અભિનંદન આપ્યાં હતાં. ભાજપપ્રમુખ અમિત શાહે આ પ્રસંગને `ઐતિહાસિક' તરીકે વર્ણવીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સશક્ત નેતૃત્વના વખાણ કર્યા હતા અને જણાવ્યું હતું કે તેમના નેતૃત્વે વિશ્વભરમાં ભારતનું વ્યૂહાત્મક અને આર્થિક સ્થાન ઉન્નત કર્યું છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer