ચાર ડેવલપર્સે કરી 18 કરોડની ઠગાઈ

મુંબઈ, તા. 6 : ચર્ચગેટની એક રિયલ ઍસ્ટેટ ઈન્વેસ્ટમેન્ટ કંપની સાથે ચાર ડેવલપર્સે હાઉસિંગ પ્રોજેક્ટ માટે નાણાં લેવાના બહાને કથિતપણે રૂા. 18 કરોડની ઠગાઈ કરી હતી.
મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા (ઈઓડબ્લ્યુ)ના જણાવવા મુજબ આરોપી કંપની કુમાર બિલ્ડર્સ મુંબઈ રિઅલ્ટી પ્રા. લિ.એ ફરિયાદી પાસેથી સહારા-બેઝ્ડ હાઉસિંગ પ્રોજેક્ટ માટે નાણાં લીધાં હતાં.
ત્રિકાલ રિઅલ્ટીના એક્ઝિ. ડિરેક્ટર રાજેશ ગુપ્તા (39)એ તાજેતરમાં લલિત જૈન, પ્રણય જૈન, નિલેશ પારેખ અને ગિરીશ માંડે વિરુદ્ધ મરીન લાઈન્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદમાં જણાવ્યા મુજબ પ્રણય જૈને નવે. 2014માં ગુપ્તાને મળી સહારા-બેઝ્ડ પ્રોજેક્ટ માટે સારા વળતરની ખાતરી આપી નાણાં ઉછીનાં માગ્યાં હતાં. બંને કંપનીએ મે 2015માં કરાર કર્યા હતા. આરોપીએ પ્રોજેક્ટ માટે મોરગેજ કરાયેલી વિવિધ મિલકતોની કથિત ઉચાપત કરી હતી.
ફરિયાદ મુજબ બધી લેતીદેતી માટે નવું બૅન્ક ખાતું ખોલવાનું હતું, પરંતુ આરોપીએ કથિતપણે ફ્લૅટ ખરીદારોને અલગ ખાતામાં રકમ જમા કરવા કહ્યું હતું અને ગુપ્તાથી આ માહિતી છુપાવી હતી.
ફરિયાદીએ કહ્યું હતું કે મિલકતના મૂળ ભાડૂતો સાથે પાલિકાને ચુકવણીઓ કરવાની હતી, જેનું આરોપી કંપનીએ ઉલ્લંઘન કર્યું હતું.
`આરોપીઓએ જાણીબૂઝીને પ્રોજેક્ટ અંગેની ઘણી બાબતો છુપાવી હતી અને અમારી સાથે વિશ્વાસઘાત કર્યો હતો, જેને કારણે અમને જંગી નુકસાન થયું હતું' એમ ગુપ્તાએ જણાવ્યું હતું.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer