સબરીમાલામાં આજે પણ મહિલાઓને રોકવામાં આવી

તિરુવનંતપુરમ, તા. 6 : માસિક પૂજા માટે ખોલવામાં આવેલા સબરીમાલા મંદિરમાં એક મહિલાને પ્રવેશ આપ્યો ન હોવાથી નારાજ થયેલા શ્રદ્ધાળુઓ વિરોધ-પ્રદર્શન કરી રહ્યા છે. વિરોધ-પ્રદર્શન દરમિયાન એક મીડિયાકર્મી ઘાયલ પણ થયો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે પોતાના દીકરા સાથે આવેલી એક મહિલા બાવન વર્ષની છે. મંદિર પ્રશાસન તે મહિલાની ઉંમરને સાચી નથી માની રહ્યાં અને તેથી તેમને મંદિરમાં પ્રવેશ પણ આપવામાં આવ્યો નથી. 
સબરીમાલા મંદિર સોમવારે માસિક પૂજા માટે ખોલવામાં આવ્યું હતું, પરંતુ 10થી 50 વર્ષની કોઈપણ મહિલાને મંદિરમાં દર્શન માટે પ્રવેશ આપવામાં આવ્યો નથી. મંદિર મંગળવારે સાંજે અથાઝા પૂજા પછી બંધ થશે.
મંદિરમાં મહિલા પ્રવેશના વિરોધને ધ્યાનમાં રાખીને વિસ્તારમાં 144 કલમ લાગુ કરી દેવામાં આવી છે.
સુરક્ષાને ધ્યાનમાં રાખીને 500 જવાન તહેનાત કરવામાં આવ્યા છે. બીજી બાજુ હિન્દુ સંગઠનોએ મીડિયા સંસ્થાઓને ન્યૂઝ કવર કરવા મહિલા પત્રકારોને ન મોકલવાની પણ અપીલ કરી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer