ઊર્જિત પટેલ ચાલુ રહેશે

ઊર્જિત પટેલ ચાલુ રહેશે
મુંબઈ, તા. 6 : સરકારે ભારતીય રિઝર્વ બૅન્ક સાથેના તાજેતરના વિખવાદને શાંત પાડવાની પહેલ કરતાં એ વાતનો પુનરોચ્ચાર કર્યો હતો, કે તેના ગવર્નર ઊર્જિત પટેલને પદચ્યુત કરવામાં નહીં આવે. `સરકાર અને સર્વોચ્ચ બૅન્ક વચ્ચેના મતભેદો કંઈ નવા નથી. ભૂતકાળમાં અનેક સરકારો આવી સ્થિતિની સાક્ષી બની છે.' એમ જણાવતાં એક સરકારી સૂત્રે અગાઉના આવી ટક્કરના અનેક દાખલા પ્રસ્તુત કર્યા હતા, જેમાં આર્થિક નીતિ માટેના બંને પક્ષના દૃષ્ટિકોણ અલગ અલગ જણાયા હતા.
પટેલની મુદત અૉગસ્ટ, 2019માં પૂરી થાય છે અને તેઓ ત્યાં સુધી હોદ્દા પર યથાવત્ રહેશે, એમ એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું. લગભગ 10 દિવસથી તણાવની સ્થિતિ સર્જાયા બાદ એવી અટકળો વ્યક્ત કરાતી હતી કે પટેલનો હોદ્દો જોખમમાં છે.
હકીકતમાં ગત બુધવારે તો એવી અફવા ફેલાઈ હતી કે સરકારે આરબીઆઈ ઍક્ટની કલમ 7 હેઠળ રિઝર્વ બૅન્ક સાથે વિધિવત કન્સલ્ટેશનની માગણી કર્યા બાદ પટેલનો રાજીનામું ધરી દેવાનો ઈરાદો છે. દરમિયાન ઉચ્ચ સૂત્રોના જણાવવા મુજબ પટેલની અનુપસ્થિતિને કારણે આવતા સપ્તાહે નિર્ધારિત આર્થિક બાબતો પરની સંસદીય સ્થાયી સમિતિની બેઠક મુલતવી રાખવામાં આવી છે. આના કારણે બૅનિંગ અૉફ અનરેમ્યુલેટેડ ડિપૉઝિટ સ્કિમ્સ બિલ 2018 પરના તેના રિપોર્ટને અંતિમ સ્વરૂપ આપવામાં સમિતિને વિલંબ થઈ શકે છે.
ગત જુલાઈના ચોમાસું સત્રમાં આ બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યાના તુરંત બાદ તેને સંસદીય સમિતિ સમક્ષ રીફર કરવામાં આવ્યું હતું, જે આગામી શિયાળુ સત્ર પૂર્વે ત્રણ મહિનાની અંદર તેનો અંતિમ અહેવાલ તૈયાર કરવાની હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે ઊર્જીત પટેલે તાજેતરમાં સમિતિને એવો સંદેશો મોકલ્યો હતો કે `વ્યસ્ત શિડયૂલ'ને કારણે પોતે 12મી નવેમ્બરની બેઠકમાં ઉપસ્થિત રહી શકશે નહીં. સમિતિએ પેન્ડિંગ લેજિસ્લેશન પર ચર્ચા કરવા માટે પટેલને તેડું મોકલ્યું હતું. સૂત્રોના જણાવવા અનુસાર આરબીઆઈ ગવર્નરની દલીલો સાંભળ્યા બાદ, સમિતિ સંભવત: આવતા મહીને શરૂ થનારા શિયાળુ સત્ર સમયે બિલ પરના તેના અહેવાલને આખરી સ્પર્શ આપવાનો ઈરાદો સેવે છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer