બેન ફોક્સે પદાર્પણ ટેસ્ટમાં અણનમ 87 રન કરીને ઇંગ્લૅન્ડની સ્થિતિ સંભાળી

બેન ફોક્સે પદાર્પણ ટેસ્ટમાં અણનમ 87 રન કરીને ઇંગ્લૅન્ડની સ્થિતિ સંભાળી
શ્રીલંકા સામેની પહેલી ટેસ્ટના પહેલા દિવસે ઇંગ્લૅન્ડના 8/321
 
ગોલ, (શ્રીલંકા) તા. 6 : પદાર્પણ ટેસ્ટમાં વિકેટકીપર-બેટસમેન બેન ફોકસના અણનમ 87 રનની મદદથી ઇંગ્લેન્ડે પહેલા ટેસ્ટના પહેલા દિવસે શ્રીલંકાના બોલરોનો મજબૂતીથી સામનો કરીને 8 વિકેટે 321 રન કરીને સ્થિતિ સુધારી લીધી હતી. કારકિર્દીનો પહેલો જ ટેસ્ટ રમી રહેલ બેન ફોકસ ઇંગ્લેન્ડ માટે તારણહાર બન્યો હતો. તે 184 દડામાં 6 ચોકકાથી 87 રને નોટઆઉટ રહયો હતો. તેણે યુવા ઓલરાઉન્ડર સેમ કરન સાથે મળીને સાતમી વિકેટમાં 88 રનની મહત્વની ભાગીદારી કરી હતી. સેમ કરને ફરી એકવાર બેટિંગ કૌશલ્ય બતાવીને 104 દડામાં 1 ચોકકા અને 3 છકકાથી મહત્વના 48 રન કર્યાં હતા.
ઇંગ્લેન્ડ તરફથી આ સિવાય ઓપનર કિટોન જેનિંગ્સે 46, જોસ બટલરે 38, સુકાની જો રૂટે 3પ અને પૂંછડિયા આદિલ રશિદે 3પ રનનું યોગદાન આપ્યું હતું. મોઇન અલી 0, બેન સ્ટોકસ 7, આર. બર્ન્સ 9 નિષ્ફળ રહયા હતા. શ્રીલંકા તરફથી દિલરુવાન પરેરાએ 4 અને લકમલે 2 વિકેટ લીધી હતી. આખરી ટેસ્ટ રમી રહેલા રંગના હેરાથે રૂટને બોલ્ડ કરીને ગોલ સ્ટેડિયમ પર તેની 100 વિકેટ પૂરી કરી હતી. પહેલા દિવસના અંતે ઇંગ્લેન્ડના 91 ઓવરમાં 8 વિકેટે 321 રન થયા હતા.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer