ઝિમ્બાબ્વેની ઘર બહાર 17 વર્ષ બાદ જીત

ઝિમ્બાબ્વેની ઘર બહાર 17 વર્ષ બાદ જીત
પહેલી ટેસ્ટમાં બાંગ્લાદેશને 151 રને હાર આપી 1-0થી આગળ
 
સિયાલહટ, તા.6: ઝિમ્બાબ્વેએ ઉલટફેર કરીને બાંગલાદેશ સામેના પહેલા ટેસ્ટમાં 151 રને જીત મેળવીને 2 મેચની શ્રેણીમાં 1-0ની સરસાઇ મેળવી લીધી છે. ઝિમ્બાબ્વેને 5 વર્ષ બાદ આ પહેલી ટેસ્ટ જીત છે. જ્યારે ઘર બહાર 17 વર્ષ પછી વિજય નસીબ થયો છે. ઝિમ્બાબ્વેએ આ પહેલા 2013માં ઘરઆંગણે હરારેમાં પાકિસ્તાન સામે જીત મેળવી હતી.
આજે મેચના ચોથા દિવસે 321 રનના વિજય લક્ષ્યાંક સામે બાંગલાદેશની ટીમ સારી શરૂઆત કરી શકી ન હતી અને 111 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી અરીફૂલ હકે 38 રન કરી ટીમની સ્થિતિ સંભાળી લેવાની કોશિશ કરી હતી પણ તે સફળ રહી ન હતી. બાંગલાદેશની પૂરી ટીમ બીજા દાવમાં 169 રનમાં ઢેર થઇ ગઇ હતી. ઝિમ્બાબ્વે તરફથી બ્રેંડન મઉતાએ 4 અને સિકંદર રઝાએ 3 વિકેટ લીધી હતી. પહેલા દાવમાં 88 રન કરનાર ઝિમ્બાબ્વેનો બેટ્સમેન સીન વિલિયમ્સન મેન ઓફ ધ મેચ બન્યો હતો.
આ પહેલા ઝિમ્બાબ્વેએ પહેલા દાવમાં 282 રન કર્યા હતા. જેમાં વિલિયમ્સનના 88 અને પીટર મૂરના 63 રન હતા. આ સામે બાંગલાદેશનો પહેલા દાવમાં 143 રનમાં ધબડકો થયો હતો. ચતારા અને રઝાએ 3-3 વિકેટ લીધી હતી. પહેલા દાવમાં ઝિમ્બાબ્વેને 139 રનની મહત્ત્વની સરસાઇ મળી હતી. પહેલા દાવમાં 6 વિકેટ લેનાર તૈઝૂન ઇસ્લામે બીજા દાવમાં 5 વિકેટ લીધી હતી. ઝિમ્બાબ્વેના બીજા દાવમાં 181 રન થયા હતા. આથી બાંગલાદેશને 321 રનનું વિજય લક્ષ્યાંક મળ્યું હતું.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer