રોહિતની આતશબાજી : ભારતની જીતનો ધડાકો

રોહિતની આતશબાજી : ભારતની જીતનો ધડાકો
રોહિતના આતશી 111થી ભારતના 2 વિકેટે 195 સામે વેસ્ટ ઇન્ડિઝના 9/124 : ટીમ ઇન્ડિયાએ 2-0થી ટી-20 શ્રેણી કબજે કરી 
રોહિતના 7 રોકેટી છગ્ગા અને 8 ચોગ્ગાની લૂમ
 
લખનૌ તા.6: હિટમેન અને સુકાની રોહિત શર્માની દિવાળીની પૂર્વ સંધ્યા પરની આતશબાજીથી ભારતે વેસ્ટ ઇન્ડિઝ સામેનો બીજો ટી-20 મેચ 71 રને જીતીને ત્રણ મેચની શ્રેણી 2-0ની અતૂટ સરસાઇથી કબજે કરી હતી. રોહિતે એક દિવસ વહેલી દિવાળી ઉજવીને રનની આતશબાજી કરીને વિક્રમી સદી ફટકારી હતી. તેણે લખનૌના અટલબિહારી સ્ટેડિયમ પર રનની તડાફડી બોલાવી હતી અને 61 દડામાં 8 ચોકકા અને 7 રોકેટ જેવા છકકાથી અણનમ 111 રન ફટકાર્યાં હતા.
રોહિતની આતશબાજી સામે કેરેબિયન બોલરો હવાઇ ગયા હતા. ભારતના 20 ઓવરમાં 2 વિકેટે 195 રન સામે વેસ્ટ ઇન્ડિઝની ટીમ 20 ઓવરના અંતે 9 વિકેટે 124 રન સુધી પહોંચી શકી હતી.
વેસ્ટ ઇન્ડિઝ તરફથી ડેરેન બ્રાવોએ 23, હેટમાયરે 15 રન કર્યાં હતા તથા કિમો પોલે 20 રન કર્યાં હતા. ભારત તરફથી ખલીલ-બુમરાહ-ભુવનેશ્વર અને કુલદિપને 2-2 વિકેટ મળી હતી.
આ પહેલા વેસ્ટ ઇન્ડિઝના સુકાની કાર્લોસ બ્રેથવેટે ટોસ જીતીને ભારતને દાવ આપવાનો જુગાર ખેલ્યો હતો. જે કેરેબિયન સુકાનીને ઘણો મોંઘો પડયો હતો. ભારતે તેના સુકાની રોહિત શર્માની લખનૌના અટલબિહારી વાજપેયી સ્ટેડિયમ પર આતશી સદી ફટકારી હતી. આથી ભારતના 20 ઓવરના અંતે 2 વિકેટે 19પ રન થયા હતા. સુકાની રોહિત શર્મા ટી-20ની તેની રેકોર્ડ ચોથી સદી ફટકારીને 61 દડામાં 8 ચોકકા અને 7 છકકાથી 111 રને અણનમ રહયો હતો. તેણે શિખર ધવન સાથે પહેલી વિકેટમાં 84 દડામાં 123 રનની ઝડપી ભાગીદારી કરી હતી. ધવને 41 દડામાં 3 ચોકકાથી 43 રન કર્યાં હતા. કેએલ રાહુલ 14 દડામાં 2 ચોકકા અને 1 છકકાથી 28 રને અણનમ રહયો હતો. તેના અને રોહિત વચ્ચે ત્રીજી વિકેટની અતૂટ ભાગીદારીમાં 72 રનની ભાગીદારી માત્ર 28 દડામાં થઇ હતી. રીષભ પંત વનડાઉનમાં આવ્યો હતો અને નિષ્ફળ રહયો હતો. ભારતે આજે સુકાની રોહિતની તડાફડીથી આખરી પ ઓવરમાં 74 રનનો ઉમેરો કરીને વેસ્ટ ઇન્ડિઝની બોલિંગ-ફિલ્ડીંગ છિન્નભિન્ન કરી નાંખી હતી. પેરી અને એલેનને 1-1 વિકેટ મળી હતી.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer