રૂનો પાક ઘટીને 343 લાખ ગાંસડી થવાનો કૉટન ઍસો.નો અંદાજ

રૂનો પાક ઘટીને 343 લાખ ગાંસડી થવાનો કૉટન ઍસો.નો અંદાજ
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 6 : કૉટન ઍસોસિયેશન અૉફ ઇન્ડિયા (સીએઆઈ)એ રૂનો પાક ઘટવાનો સુધારેલો અંદાજ જાહેર કર્યો છે. આગામી 6ઠ્ઠી અૉક્ટોબરે એસોસિયેશને ઔરંગાબાદની બેઠકમાં 348 લાખ ગાંસડીનો પાક ધાર્યો હતો, પણ હવે તે અંદાજે 343.25 લાખ ગાંસડી રહેશે તેવું કહેવામાં આવ્યું છે. ઍસોસિયેશને ગુજરાતના પાકમાં 2 લાખ ગાંસડીનો ઘટાડો કર્યો છે. એ ઉપરાંત મહારાષ્ટ્ર અને કર્ણાટકનો અંદાજ એક એક લાખ ગાંસડી ઘટાડયો છે. ઓરિસાનો અંદાજ 75 હજાર ગાંસડી ઓછો કરી નાંખવામાં આવ્યો છે. વાતાવરણ પ્રતિકૂળ હોવાને લીધે સંસ્થાએ અંદાજ નીચે લાવવો પડયો છે.
ઓક્ટોબરમાં 50 લાખ ગાંસડીનો પુરવઠો આવવાની ધારણા હતી પણ 26.13 લાખ ગાંસડીની આવક થઇ છે. ઓક્ટોબરમાં એક લાખ ગાંસડીની આયાત થઇ હતી. 2018-19ની સિઝન 23 લાખ ગાંસડીના પુરાંત સ્ટોક સાથે થઇ હતી. ઓક્ટોબરમાં દેશમાં કુલ 27 લાખ ગાંસડીની ખપત થયેલી અને 2.50 લાખ ગાંસડી નિકાસમાં મોકલવામાં આવી હતી. ઓક્ટોબરના અંતે સ્ટોક 20.63 લાખ ગાંસડી રહ્યો હતો, એમાં 16.53 લાખ ગાંસડી ટેક્સટાઇલ મિલો પાસે અને 4.10 લાખ ગાંસડી સીસીઆઇ અને બજારમાં હતી.
ગુજરાતમાં રૂનું ઉત્પાદન 88 લાખ ગાંસડી અને મહારાષ્ટ્રમાં 80 લાખ ગાંસડી આવવાની ધારણા વ્યક્ત કરી છે. તેલંગણામાં 51, મધ્યપ્રદેશ અને હરિયાણામાં 24-24, રાજસ્થાનમાં 23, પંજાબમાં 10, આંધ્રમાં 16, કર્ણાટકમાં 17 અને તામિલનાડુંમાં 5 લાખ ગાંસડીની ધારણા મુકાઇ છે.
ચાલુ સિઝનમાં કુલ 390.25 લાખ ગાંસડી ઉપલબ્ધ બનશે. 23 લાખ ગાંસડીની પુરાંત અને 24 લાખ ગાંસડીની આયાત તથા 343.25 લાખ ગાંસડીનો પાક ધારવામાં આવ્યો છે. ગયા વર્ષમાં 69 લાખ ગાંસડીની નિકાસ થઇ હતી. એ સામે ચાલુ સિઝનમાં આશરે 51 લાખ ગાંસડીની નિકાસ થશે તેવો અંદાજ સંસ્થા મૂકે છે. સ્થાનિક વપરાશ 324 લાખ ગાંસડીનો રહેશે.
એસોસિયેશને જણાવ્યું છે કે સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં વરસાદ પડયો જ નથી એ કારણે કપાસને પાણીની તંગી વર્તાવા લાગી છે. શિયાળો પણ હજુ શરૂ થયો નથી અને ગરમી ભારે પડી રહી છે એટલે ઉતારાને અસર થવાની પૂરતી સંભાવના છે. ત્રીજી વીણીમાં ઉતારો ઘટે એમ છે. ચોથી વીણીમાં પાકનો ઉતારો હાલના સંજોગોમાં ઘટે તેમ દેખાય છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer