કર્ણાટકની પેટાચૂંટણીઓમાં પાંચમાંથી 4 બેઠક કૉંગ્રેસ-જેડીએસ યુતિને, એક ભાજપને

બેંગલુરુ, તા. 6:  કર્ણાટકમાં વિધાનસભાઓની બે અને લોકસભાની 3 બેઠકોની પેટાચૂંટણીઓના જાહેર થયેલા પરિણામોમાં કોંગ્રેસ-જદ (એસ)ની યુતિએ સપાટો બોલાવ્યો હતો અને આ પાંચમાંથી ચાર બેઠકો જીતી લીધી હતી ભાજપ માત્ર એક બેઠકે વિજયી થયો હતો. દરમિયાન,  રાજયના મુખ્ય મંત્રી એચડી કુમારસ્વામીએ આક્ષેપ કર્યો છે કે ભાજપ તેઓના (શાસક યુતિના) ધારાસભ્યોને, દરેકને રૂ. 2પ-30 કરોડની ઓફર કરીને પોતાના પક્ષમાં લઈ જવા પ્રયાસ કરી રહ્યો છે. વિજેતા જોડાણ હવે '19 ની લોકસભા ચૂંટણીમાં તમામ 28 બેઠકો જીતવાના સહયોગમાં કારગત રહેશે એમ કુમારસ્વામીએ જણાવ્યુ હતું.
સીએમ કુમારસ્વામીના પત્ની અનીતા રામનગર બેઠકેથી 1,09,137 મતોની સરસાઈથી જીતી હતી, જયારે કોંગ્રેંસના આનંદ ન્યામગૌડા જમખંડીની બેઠકે 49,480 મતોની સરસાઈથી વિજયી થયા હતા. જદ (એસ)ના એલઆર શિવરામ ગૌડાએ અને કોંગ્રેસના વીએસ ઉગ્રપ્પાએ અનુક્રમે માન્ડ્યા અને બેલ્લારીની  લોકસભા બેઠકો જીતી છે. જયારે ભાજપ તેની શિમોગાની લોકસભાની બેઠક જાળવી રાખી શકયો છે: પક્ષના બીવાય રાઘવેન્દ્ર  પ0 હજાર મતોની સરસાઈથી જીત્યા છે. કુલ 31 ઉમેદવારો ચૂંટણીજંગમાં ઉતર્યા હતા. તેમાં પાંચ ભાજપના, 3 જેડી-એસના, બે કોંગ્રેસના અને બાકીના અપક્ષો હતા.
આ પેટાચૂંટણીઓના પરિણામોની અસર 19ની ચૂંટણીમાં કોંગ્રેસ અને જદ (એસ) વચ્ચેનાં સમીકરણો પર થવા સંભવ છે અને બેઉ પક્ષોના સંબંધિત બાર્ગેઈનિંગ પાવર (જોઈતી બેઠકો મેળવવાની ખેંચતાણ)નિશ્ચિત કરતું પરિબળ પણ બની રહેશે.
લોકસભાની પેટાચૂંટણીઓ, 3 વર્તમાન સભ્યોના રાજીનામા આપ્યાથી 3 બેઠકો ખાલી થઈ હતી. જામખંડીની બેઠક કોંગ્રેસના ધારાસભ્યના મૃત્યુના કારણે ખાલી પડી હતી.
પ્રજાએ દિવાળીની ભેટ આપી : સિદ્ધરમૈયા
વર્ષ 2019માં યોજાનાર લોકસભાની ચૂંટણી પહેલા કર્ણાટકમાં યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપને ફટકો પડયા બાદ આ અંગે પ્રતિક્રિયા આપતા કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા સિદ્ધારમૈયાએ આને પ્રજા તરફથી દિવાળી ભેટ હોવાની વાત કરી હતી. અને કહ્યું હતું કે, ભાજપને પ્રજાએ નકારી કાઢી છે. સિદ્ધારમૈયાએ કહ્યું હતું કે, બેલ્લારીમાં ગઠબંધનની જીત ખુબ મહત્વ પુર્ણ છે.
Published on: Wed, 07 Nov 2018

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer