મુનગંટ્ટીવારે વાઘણને ગોળી મારી છે કે તેઓ રાજીનામું આપે? : ફડણવીસ

મુંબઈ, તા. 6 :  અવનિ વાઘણનાં મૃત્યુ પ્રકરણે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મૌન તોડીને કહ્યું હતું કે વનપ્રધાન સુધીર મુનગંટ્ટીવાર કંઈ બંદૂક લઈને વાઘણને મારવા ગયા નહોતા. ના તેઓએ ગોળીબાર કરીને અવનિને મારી હતી.  આ અંગે હું કેન્દ્રીય પ્રધાન મેનકા ગાંધી સાથે વાતચીત કરીશ. 
 મેનકા ગાંધીએ અવનિને મારી નખાઈ એનો ટ્વીટર પર વિરોધ કરતાં કહ્યું હતું કે આ પ્રકરણે હું રાજકીય  અને કાનૂની કાર્યવાહી કરીશ. વાઘણની હત્યાથી હું ખૂબ જ દુ:ખી થઈ છું. અત્યાર સુધી ત્રણ વાઘ, 10 દીપડા, અનેક હાથી અને 300 જંગલી ડુક્કરને મારી નાખ્યા છે. આવા માનવીને અમાનવીય કૃત્ય કરવા તમે પ્રધાન તરીકે નીમો છો? વાઘણને મારવાથી તેના બે બચ્ચાં અનાથ બન્યાં છે.
 જોકે મુનગંટ્ટીવારે કહ્યું હતું કે મારું રાજીનામું માગવાને બદલે મેનકા ગાંધીએ રાજીનામું આપવું જોઈએ.  મેનકા ગાંધી બાળકલ્યાણ ખાતાના પ્રધાન છે. તેમના કાર્યકાળમાં કુપોષણને લીધે અનેક બાળકો મરણ પામ્યાં છે. મારા રાજીનામાનું મુખ્ય પ્રધાન અને મેનકા ગાંધીના રાજીનામાનું વડા પ્રધાન નક્કી કરશે.
ફડણવીસે જણાવ્યું હતું કે મેનકા ગાંધીએ પ્રાણીપ્રેમી તરીકે અનેક વખત ફોન પર કારો સંપર્ક કર્યો છે. અમારા પક્ષમાં તેઓ મહત્ત્વનાં નેતા છે અને તેમનું વક્તવ્ય અમારા માટે મહત્ત્વનું અને સંવેદનશીલ છે. આ પ્રકરણમાં હું મેનકા ગાંધી સાથે વાત કરીશ. તેમને આ ઘટના પાછળની સર્વ પરિસ્થિતિ જણાવીશ.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer