અવનિની હત્યાના પુરાવા મળ્યા

બે વન અધિકારી વચ્ચે ફોન પર થયેલી વાતચીતની અૉડિયો-ક્લિપ બહાર આવી
 
અમારા પ્રતિનિધિ તરફથી
યવતમાળ, તા. 6 : અવનિ વાઘણને બેભાન કરવાના કશા પ્રયત્ન થયા જ નહોતા, તેને જોતાં જ ગોળી મારવામાં આવી હતી અને એના પુરાવા મળ્યા છે. અવનિને ગોળી માર્યા બાદ બે વન અધિકારીઓ વચ્ચે ફોન પર થયેલી ચર્ચામાં જાણવા મળ્યું છે કે અવનિને પહેલાં ગોળી મારવામાં આવી હતી અને ત્યાર બાદ એને બેભાન કરવા માટેનું ડાર્ટ (ઇન્જેક્શન) એના મૃતદેહમાં ખૂંપાવવામાં આવ્યું હતું.
એ અૉડિયો-ક્લિપમાં વૅટરનરી ડૉક્ટર્સના હવાલાથી વન અધિકારીઓ એ માહિતી એકમેકને આપતા હતા. વન વિભાગ કહેતો હતો કે અવનિએ એને પકડવા માટેની ટુકડી પર હુમલો કરતાં તેને ગોળી મારવી પડી હતી. યવતમાળના રાળેગાવના જંગલમાં અવનિને ગોળી મારીને ઠાર કરવામાં આવી હતી. એ સંદર્ભની વાતચીત ફૉરેસ્ટ અધિકારીઓ વચ્ચે થઈ હતી, જેમાં સ્પષ્ટ રીતે વાઘણને ગોળી મારી હોવાનું અધિકારીઓ કહી રહ્યા છે.
ફોનનો સંવાદ
અધિકારી નંબર-1 : વાઘણ જેવી આવી એવી તરત લાઇટ ચાલુ કરી અને એને ગોળી મારીને ઠાર કરી.
અધિકારી નંબર-2 : બેભાન કરવાનું ઇન્જેક્શન માર્યું કે નહીં?
અધિકારી નંબર-1 : ના, પણ પોસ્ટમૉર્ટમમાં એવું જોવા મળશે કે બેભાન કરવાનું ઇન્જક્શન માર્યું છે.
વન વિભાગે આ અૉપરેશન બદલ જરાય પારદર્શકતા રાખી નથી. કરોડો રૂપિયા વેડફાયા એવો આરોપ વન્યજીવપ્રેમીઓ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે અવનિની ઠંડે કલેજે હત્યા કરવામાં આવી છે. પોસ્ટમૉર્ટમ-રિપોર્ટ આવશે ત્યારે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. એ માટે જોકે ફૉરેન્સિક અહેવાલ મગાવવાની માગણી પણ વન્યજીવપ્રેમીઓએ કરી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer