નવી એસી લોકલના દરવાજા જલદી બંધ થાય એવી ગોઠવણ રેલવે કરશે

મુંબઈ, તા. 6 : એસી લોકલ ટ્રેન સ્ટેશને ઊભી રહે ત્યારે તેના દરવાજા ખૂલતાં અને બંધ થતાં વધુ સમય લાગે છે એ સમય ઘટાડવા માટે પશ્ચિમ રેલવેએ ચેન્નઈની ઇન્ટેગ્રલ કોચ ફેકટરી (આઈસીએફ)નો સંપર્ક સાધ્યો છે. એસી ટ્રેનનો હોલ્ટ વધુ રહેતાં અન્ય ટ્રેનો મોડી પડે છે.
રેગ્યુલર લોકલ ટ્રેન દર સ્ટેશને 20થી 40 સેકન્ડ સુધી ઊભી રહે છે જ્યારે એસી ટ્રેન લગભગ એક મિનિટ સુધી ઊભી રાખવી પડે છે, કારણ કે તેના દરવાજા ખૂલતાં અને બંધ થતાં વધુ સમય લાગે છે, પરિણામે એની પાછળ આવતી ટ્રેનો મોડી પડે છે. પશ્ચિમ રેલવેએ નવી એસી ટ્રેનોમાં આ ફેરફાર કરવા આઈસીએફને જણાવ્યું છે. માર્ચ-2019 સુધીમાં કેટલીક નવી એસી ટ્રેનો આવી પહોંચશે.
મુંબઈ મેટ્રોની ટ્રેનો સ્ટેશન પર 40 સેકન્ડ સુધી ઊભી રહે છે અને આટલો જ ટાઇમ એસી લોકલ ઊભી રહે તેવી ગોઠવણ કરવા આઈસીએફને જણાવાયું છે.
પશ્ચિમ રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે એસી લોકલના દરવાજા બંધ ન થાય ત્યાં સુધી તે આગળ વધી શકે નહીં અને તેને વધુ સમય લાગતો હોવાથી દર ત્રણ મિનિટે લોકલ દોડે છે. એટલે એની પાછળની ટ્રેનો મોડી પડે છે. વધુમાં 1લી નવેમ્બરથી એસી લોકલ વધુ સાત સ્ટેશનોએ ઊભી રહે છે પરિણામે હવે સમય વધુ લાગશે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer