દિવાળી પછી અંધેરી, મઝગાંવ સૌથી વધુ પ્રદૂષિત હશે

2017ની દિવાળીના આધારે કરવામાં આવી આગાહી
 
મુંબઈ, તા. 6 : સિસ્ટમ અૉફ ઍર ક્વૉલિટી વેધર ફોરકાસ્ટિંગ ઍન્ડ રિસર્ચ (સફર)ના મતે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ઓછું પ્રદૂષણ નોંધાય એવી શક્યતા છે. બુધવારે દિવાળીના દિવસે હવાની ગુણવત્તા ખરાબ અને ગુરુવારે નવા વર્ષના દિવસે હવાની ગુણવત્તા વધુ ખરાબ હશે. 2017માં ફૂટેલા ફટાકડાના આધારે તેમ જ બીજા બધા સ્રોતને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલી ગણતરી મુજબ અંધેરી અને મઝગાંવ સૌથી વધુ પ્રદૂષિત વિસ્તાર છે. 
સફરના પ્રોજેક્ટ-ડિરેક્ટર ગુફ્રન બેગે કહ્યું હતું કે ધુમાડાને કારણે હવાની ગુણવત્તા પર અસર થવાની શક્યતા છે. મુંબઈગરાએ ઈશાન તરફથી આવતા પવનની સાથે વાદળિયા વાતાવરણનો સામનો કરવો પડશે. દિવાળી અને નવા વર્ષના કારણે સૌથી વધુ પાર્ટિક્યુલેટ મૅટર (પીએમ) બુધવારે મોડી રાતે 12થી ગુરુવારે સવારે ત્રણ વાગ્યા સુધી હશે એવી અપેક્ષા છે. જ્યારે ગયા વર્ષ કરતાં આ વર્ષે પ્રદૂષણ ઓછું હશે એવું તજ્ઞોનું કહેવુ છે. 
નિષ્ણાતોના સૂચન મુજબ પ્રદૂષણ ઓછું થાય એ માટે સરકાર અને નાગરિકોએ પગલાં લેવાની જરૂર છે. હવાના પ્રદૂષણને કાબૂમાં લાવવા માટે તાત્કાલિક પગલાં ભરવાની જરૂર છે. 
2017માં દિવાળીના બીજા દિવસે હવાની શુદ્ધતાનો નિર્દેશાંક (ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ) સૌથી વધુ ખરાબ 319 નોંધાયો હતો. જ્યારે આ વર્ષે બુધવારે દિવાળીના દિવસે હવાની શુદ્ધતાનો નિર્દેશાંક 235 અને ગુરુવારે સૌથી ખરાબ 308 નોંધાવાની શક્યતા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer