દિવાળીના એક દિવસ પહેલાં કાશ્મીરમાં સફળ કાર્યવાહી; બે આતંકવાદી ઠાર

શોપિયાંમાં હિઝબુલ સાથે જોડાયેલા આતંકવાદીઓનો ખાતમો
 
શ્રીનગર, તા. 6 : જમ્મુ-કાશ્મીરના શોપિયાંની સાફનગરીમાં આજે સુરક્ષાદળોને વધુ એક મોટી સફળતા હાથ લાગી હતી. સુરક્ષાદળોએ સફળ કાર્યંવાહી પાર પાડીને બે ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા.
માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ કરી લેવામાં આવી છે. આ બંને આતંકવાદીઓ મોહમ્મદ ઇદરીસ સુલતાન અને આમિર હુસેન તરીકે ઓળખાયા છે. બંને ત્રાસવાદી હિઝબુલ સાથે જોડાયેલા હોવાની માહિતી મળી છે. ઠાર કરવામાં આવેલા આતંકવાદીઓ પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટકો કબ્જે કરવામાં આવ્યા છે.
આ પહેલાં જ શોપિયાંમાં જ વધુ બે આતંકવાદી ઠાર થયા હતા. શનિવારના દિવસે શોપિયામાં બે આતંકવાદીઓને ઠાર કરી દેવામાં આવ્યા હતા.
સોમવારના દિવસે મધ્ય કાશ્મીરના ગાંદરબાલ જિલ્લામાં બપોરે રાષ્ટ્રીય રાઇફલ્સના જવાનોએ બાકુરા વિસ્તારમાં મોટું ઓપરેશન હાથ ધર્યું હતું. ગુપ્તચર બાતમી મારફતે આતંકવાદીઓ સંબંધમાં માહિતી મળી ગયા બાદ સેનાએ એસઓજીના જવાન સાથે મળીને ઓપરેશન હાથ ધર્યું હતું. પુલવામાના ત્રાલ વિસ્તારમાં પણ સેનાએ એક આતંકવાદીને ઠાર કર્યો હતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer