હેટનેટ્સ અપાવશે કૉલડ્રૉપથી છુટકારો

હેટનેટ્સ અપાવશે કૉલડ્રૉપથી છુટકારો
મુંબઈ, તા. 6 : શહેરમાં ઘટતી જતી મોબાઇલ ટાવર્સની સંખ્યા અને વિવિધ નેટવર્ક વચ્ચેની સ્પર્ધાને લીધે મોબાઇલના ગ્રાહકોએ કૉલડ્રૉપ તેમ જ યોગ્ય રીતે નેટવર્ક ન મળવા જેવી તકલીફો ભોગવવી પડે છે. એ બધાના ઉકેલરૂપે આઇઆઇટી મુંબઈના પ્રાધ્યાપકોએ નવો કોડ તૈયાર કરીને એવું સંશોધન કર્યું છે જેનો `હેટનેટ્સ'માં ઉપયોગ કરતાં એ તકલીફમાંથી છુટકારો મળી શકે છે.
ગિરદીના ઠેકાણે અનેક વખત લોકોને નેટવર્ક મળતું નથી. એમાં કૉલડ્રૉપથી લઈને ડેટા કનેકશન જેવી અનેક સમસ્યા નડે છે. જોકે અત્યારે તો ઘણી જગ્યાએ વાઇફાઇ હૉટસ્પૉટ બેસાડવામાં આવ્યા છે. એનો ઉપયોગ કરીને નેટવર્ક સુવિધા વધુ સક્ષમ બનાવી શકાય એ બાબતે આઇઆઇટી મુંબઈના પ્રાધ્યાપક પ્રસન્ન ચાપોરકર અને પ્રાધ્યાપક અભય કરંદીકર તેમ જ પીએચડી વિદ્યાર્થી અર્ધદીપ રૉયે એક સંશોધન કર્યું છે. એ મુજબ એ વિસ્તારના બધા નેટવર્કના ટાવર અને વાઇફાઇ ઍક્સેસ પૉઇન્ટનાં નિયંત્રણ એક જ જગ્યાએ રાખવાં. એને લીધે મોબાઇલ-યુઝર ફોન વાપરવાનું શરૂ કરે એટલે કયા ટાવરના માધ્યમથી સારો વૉઇસ-કૉલ જઈ શકશે તેમ જ કયા ટાવરના માધ્યમથી સારા ડેટા-કનેક્શન મળી શકશે એની જાણ પળભરમાં થઈ શકશે અને એ મુજબ યુઝરને ઉત્તમ દરજ્જાની સુવિધા પૂરી પાડવામાં આવશે.
હાલમાં જે સેલ્યુલર નેટવર્ક પૂરું પાડવા માટેની જે ક્ષમતા છે એનો સંપૂર્ણ વપરાશ થતો નથી. એને લીધે અનેક વખત મોબાઇલ-યુઝરે તકલીફ વેઠવી પડે છે. એ ક્ષમતાનો પૂરેપૂરો વપરાશ થઈ શકે અને મોબાઇલ-યુઝરને સારી સુવિધા મળે એવા ઉદ્દેશથી જ આવું સંશોધન કરવામાં આવ્યું હોવાનું આઇઆઇટીના પ્રાધ્યાપક ચાપોરકરે કહેતાં ઉમેર્યું છે કે આપણે ભવિષ્યમાં ફાઇવ-જી તરફ આગળ ધપી રહ્યા છીએ. એમાં કેન્દ્રીભૂત નેટવર્ક નિયંત્રકનો વપરાશ થશે અને એમાં એવા પ્રકારનાં સ્માર્ટ ઍલ્ગરિધમ મહત્ત્વની ભૂમિકા ભજવશે. એને લીધે આ સંશોધનને વિશેષ મહત્ત્વ પ્રાપ્ત થયું છે.
શું છે હેટનેટ્સ?
હેટનેટ્સ એટલે હેટ્રોજીનિયસ નેટવર્ક. એમાં મોબાઇલ વાપરવા માટે જરૂરી બધાં નેટવર્કનો તાલમેલ સાધી શકાશે. આ ટેક્નૉલૉજીનો ઉપયોગ કરીને નેટવર્ક સુવિધા નિયંત્રિત કરી શકાય છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer