ફ્આઝાબાદનું નામ હવેથી અયોધ્યા

ફ્આઝાબાદનું નામ હવેથી અયોધ્યા
ભવ્ય દીપોત્સવના આરંભે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની જાહેરાત
 
શ્રીરામના નામે ઍરપોર્ટ અને રાજર્ષિ દશરથના નામે મેડિકલ કૉલેજ બાંધવાની પણ ઘોષણા
 
અયોધ્યા, તા. 6 (પીટીઆઈ): અયોધ્યામાં રામમંદિરનાં નિર્માણ માટે દેશમાં છેડાયેલી દલીલો વચ્ચે આજે અયોધ્યામાં ત્રેતાયુગની ઝાંખી કરાવે તેવા અદ્દભૂત દીપોત્સવ કાર્યક્રમમાં ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી અપેક્ષાકૃત અયોધ્યામાં રામની વિરાટ પ્રતિમા નિર્માણની જાહેરાત કરે તેવી આશા હતી. પરંતુ તેમણે આ વિશે કોઈ ઘોષણા કરવાનું ટાળતાં અયોધ્યાને બીજી મોટી દિવાળી ભેટ આપી હતી. મુખ્યમંત્રી યોગીએ ફૈઝાબાદ જિલ્લાનું નામાભિધાન અયોધ્યા કરવાનું એલાન કર્યુ હતું.
અયોધ્યાનાં અનન્ય દીપોત્સવ કાર્યક્રમનાં ઉદ્દઘાટન પ્રસંગે તેમણે કહ્યું હતું કે તેઓ એક નવા સંકલ્પ સાથે અયોધ્યા આવ્યા છે અને દેશ પણ જાણે છે કે અયોધ્યા શું ઝંખે છે. તેમણે આગળ કહ્યું હતું કે દુનિયાની કોઈ તાકાત અયોધ્યા સાથે અન્યાય કરી શકશે નહીં. આ દરમિયાન તેમણે ભગવાન શ્રીરામનાં નામે અયોધ્યામાં એરપોર્ટ બનાવવાની જાહેરાત પણ કરી હતી. સાથે રાજર્ષિ દશરથ નામે મેડિકલ કોલેજની પણ ઘોષણા કરી હતી. 
કોરિયા ગણરાજ્યનાં પ્રથમ મહિલા કિમ-જંગ સૂક સાથે તેમનું પ્રતિનિધિ મંડળ આ દીપોત્સવમાં ખાસ મહેમાન બન્યા હતાં અને તેમનું સ્વાગત કરતાં યોગીએ કહ્યું હતું કે એ લોકો પણ પોતાનાં અતીત સાથે જોડાવા માટે અયોધ્યા પધાર્યા છે. તેમનાં આગમનથી અયોધ્યાનાં દીપોત્સવને આંતરરાષ્ટ્રીય માન્યતા પણ મળે છે.  
ભગવાન શ્રીરામના સ્વાગત માટે અયોધ્યા નગરીને ફરી એક વખત ત્રેતાયુગની નગરીનું સ્વરૂપ આપવામાં આવ્યું હતું. સરયૂના તટ પર ત્રણ લાખ દીવડા સાથે યોગી સરકારે રાત્રિના અદ્ભુત માહોલ ખડો કરવા સાથે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન દર્જ કરાવ્યું હતું.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer