સોનાના દાગીનામાં વપરાતી પૂરક ચીજોની નિકાસનાં ધોરણો હળવાં થયાં

સોનાના દાગીનામાં વપરાતી પૂરક ચીજોની નિકાસનાં ધોરણો હળવાં થયાં
પૉસ્ટ્સ, પુશ બૅક્સ અને લૉક્સ જેવી આઇટમોની નિકાસ માટેનાં ધોરણોમાં સુધારણા

નવી દિલ્હી, તા. 7(પીટીઆઇ) : સોનાના દાગીનાની બનાવટમાં વપરાતા પુશ બૅક અને લોક્સ જેવી અમુક આઇટમોની નિકાસ માટેના ધોરણો સરકારે હળવાં કર્યાં છે. 
દાગીનાની બનાવટ સમયે વિવિધ ભાગને જોડવા માટે ઉપયોગી પાસ્ટ્સ, પુશ બૅક્સ અને લૉક્સ જેવી આઇટમોની નિકાસ માટેના ધોરણોમાં સરકારે સુધારણા કરી તેને હળવાં કર્યાં છે. 
ત્રણ કેરેટથી લઇને 22 કેરેટ સુધીના દાગીનાની બનાવટ સમયે વપરાતી આ જણસોની નિકાસને પરવાનગી આપવામાં આવી હોવાનું ડિરેક્ટર જનરલ અૉફ ફોરેન ટ્રેડ (ડીજીએફટી)એ એક નોટિફિકેશન દ્વારા જણાવ્યું છે. 
આ પહેલાં માત્ર આઠ કૅરેટથી લઇને 22 કેરેટ સુધીની સોનાની કોઇ પણ વસ્તુની નિકાસ માટે નિકાસની પરવાનગી અપાતી હતી. જોકે, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (એસઇઝેડ)માંથી આ જણસોની નિકાસની પરવાનગી નહી મળે. 
આ નિકાસ સ્થાનિક વિસ્તારો, નિકાસ લક્ષી એકમો (ઇઓયુ), ઇલેક્ટ્રોનિક હાર્ડવૅર ટેક્નૉલૉજી પાર્ક (ઇએચટીપી), સોફ્ટવૅર ટેક્નૉલૉજી પાર્ક (એસટીપી) અને બાયો ટેક્નૉલૉજી પાર્ક (બીટીપી) દ્વારા થઇ શકશે. દાગીનાની નિકાસ વધારવાના હેતુથી સરકારે આ ધોરણો હળવાં કર્યા હોવાનું નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે. 
આ નાણાં વર્ષના એપ્રિલથી અૉગસ્ટના ગાળા દરમિયાન જેમ્સ અને જ્વેલરીની નિકાસ 0.75 ટકા ઘટીને 13.18 અબજ ડૉલર્સની થઇ હતી. દેશની કુલ નિકાસમાં આ શ્રમિક લક્ષી સેક્ટરનું યોગદાન 14 ટકા છે. 
કુલ નિકાસમાં અમેરિકાનો ફાળો 25 ટકાથી વધારે છે જ્યારે મહત્તમ નિકાસ ધરાવતા અન્ય દેશોમાં યુરોપ મહાસંઘના રાષ્ટ્રો, જપાન અને ચીનનો સમાવેશ થાય છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer