આઈએલઍન્ડએફએસ કેસ : સેબીની રેટિંગ એજન્સીઓને નોટિસ

આઈએલઍન્ડએફએસ કેસ : સેબીની રેટિંગ એજન્સીઓને નોટિસ
મુંબઈ, તા. 7 : સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ આઈએલઍન્ડએફએસમાંની નાણાં પ્રવાહિતાની અછતને ખાળી શકવામાં નિષ્ફળ ગઈ હોવાથી ક્રેડિટ રેટિંગ એજન્સીઓ પાસેથી સ્પષ્ટતા માગતી નોટિસ મોકલી છે. 
આ એજન્સીઓમાં ઈકરા, કેર અને ઈન્ડિયન રેટિંગ્સનો સમાવેશ છે. 
રેટિંગ એજન્સીઓ આઈએલઍન્ડએફએસ, ગ્રુપની હોલ્ડિંગ કંપનીઓ અને સબસિડિયરીની કામગીરીનું નિરીક્ષણ કરે છે. વધુમાં બજાર નિયામકે રેટિંગ સ્ટાન્ડર્ડ અને ડિસ્ક્લોઝરને મજબૂત બનાવવાના પગલાં નક્કી કરવા માટે ગયા સપ્તાહે રેટિંગ એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓની મિટિંગ બોલાવી હતી.
ઈકરાએ કહ્યું કે તે રેગ્યુલેટરી એજન્સીઓને સહયોગ આપી રહી છે. ``જવાબદાર સંસ્થા હોવાને કારણે અમે આ બાબતે રેગ્યુલેટરી એજન્સીઓને સંપૂર્ણ સહયોગ આપી રહ્યા છીએ. જોકે, સેબી તરફથી કારણ દર્શાવો નોટિસ મળી હોવાનો ઈકરાએ ઈનકાર કર્યો હતો. 
કેર રેટિંગ્સના પ્રવક્તાએ કહ્યું કે, ``કંપની રેટિંગ સંબંધિત મુદ્દાઓ વિશે સક્રિય પગલા લેવા માટે નિયામક અને અન્ય ઓથોરિટીસ સાથે સતત સંપર્કમાં છે. કોઈ ચોક્કસ મુદ્દે વાત કરવી અત્યારે અસ્થાને ગણાશે.''
ઈન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચે આ બાબતે કાંઈ પણ કહેવાનો ઈનકાર કર્યો હતો. 
જાણકાર સૂત્રોએ કહ્યું કે રેટિંગ એજન્સીઓએ તેઓ સમયસર પગલા લેવામાં નિષ્ફળ કેમ ગઈ તે વિશે નિયામકને સ્પષ્ટતા આપી છે. 
રેટિંગ એજન્સીના એક અધિકારીએ કહ્યું કે નિયામકે આ પ્રકારની સ્થિતિ ફરી પેદા થાય નહીં તે માટે અને તેને ઓળખી કાઢવા માટેના પગલાંમાં સુધારો લાવવા વિશે પ્રતિભાવ માગ્યા છે.
સૂત્રએ કહ્યું કે રેટિંગ એજન્સીની ભૂમિકા અને વ્યાપ મર્યાદિત છે. મોટા ભાગની એજન્સીઓ નિયામકના દાયરામાં રહીને તેમનું કાર્ય કરે છે. 
સેબીનો એવો મત છે કે રેટિંગ એજન્સીઓને કટોકટીના સંકેત વહેલા મળવા જોઈએ. સેબીનું માનવું છે કે આઈએલઍન્ડએફએસના કેસમાં તેઓ પગલાં લેવામાં નિષ્ફળ ગઈ છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer