લોકલ ટ્રેનોની નિયમિતતા અને સ્પીડ વધારવા

પીક અવર્સમાં મેલ ટ્રેનો નહીં દોડાવવાની વિચારણા
 
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 7 : પશ્ચિમ રેલવેએ પરાંની ટ્રેનોની સેવાઓ વધારવા અને તેમને નિયમિત દોડાવવા માટે સવાર-સાંજે ધસારાના સમયે દોડતી 17 મેલ-એક્સ્પ્રેસ ટ્રેનોમાંથી 11 ટ્રેનોને નોન-પીક અવર્સમાં દોડાવવાની યોજના વિચારી છે, પરિણામે પરાંના 35 લાખ પ્રવાસીઓને રાહત થશે.
હાલ સવારે 6થી 9.30 વાગ્યા સુધી અને સાંજે 6થી 8.30 વાગ્યા સુધીનો સમય ધસારાનો સમય ગણાય છે અને એ સમયની વચ્ચે 17 મેલ-એક્સ્પ્રેસ ટ્રેનો પણ દોડે છે. પરિણામે ચર્ચગેટથી વિરાર અને વિરારથી ચર્ચગેટ વચ્ચે દોડતી અનેક ફાસ્ટ ટ્રેનો મોડી પડે છે. આથી જો મેલ-એક્સ્પ્રેસ ટ્રેનોના સમય બદલવામાં આવે અને તેમને બિનધસારાના સમયમાં દોડાવાય તો લોકલ ટ્રેનો નિયમિત દોડે અને તેમની ફ્રીક્વન્સી પણ વધારી શકાય.
પશ્ચિમ રેલવેના ડિવિઝનલ રેલવે મૅનેજર (ડીઆરએમ) સંજય મિશ્રાએ જણાવ્યું હતું કે આ અંગેનો પ્રસ્તાવ પશ્ચિમ રેલવેના મુખ્ય મથકે મોકલવામાં આવ્યો છે જે સ્વીકારવામાં આવશે તો લોકલ ટ્રેનોનું સંચાલન ઘણું સરળ બનશે. 
તેમણે કહ્યું હતું કે હાલ સવારના ધસારાના સમયમાં લાંબા અંતરની 10 ટ્રેનો આવ-જા કરે છે જ્યારે સાંજે ધસારાના સમયમાં 7 ટ્રેનો આવ-જા કરે છે. સવારના સમયમાં દોડતી ટ્રેનોમાં ભાવનગર અને બાન્દ્રા ટર્મિનસ, વલસાડ અને મુંબઈ સેન્ટ્રલ, ચંડીગઢ અને બાન્દ્રા ટર્મિનસ, બિકાનેર અને બ્રાન્દ્રા ટર્મિનસ વચ્ચે દોડતી ટ્રેનોનો સમાવેશ થાય છે.
જ્યારે સાંજની ટ્રેનોમાં મુંબઈ સેન્ટ્રલ-હઝરત નિઝામુદ્દીન, બાન્દ્રા-ભુજ, મુંબઈ સેન્ટ્રલ-વલસાડ, બાન્દ્રા-અમદાવાદ વચ્ચે દોડતી ટ્રેનોનો સમાવેશ થાય છે.
વડામથકની મંજૂરી મળતાં પરાંના લાખો પ્રવાસીઓને રાહત થશે એવી ધારણા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer