અમદાવાદી યુવાન પ્રયાગ મહેતાનું પોલૅન્ડમાં મૃત્યુ

અમદાવાદી યુવાન પ્રયાગ મહેતાનું પોલૅન્ડમાં મૃત્યુ
પરિવારને હજી મૃતદેહ નથી સોંપાયો  

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.7: પૉલૅન્ડમાં ઉચ્ચ અભ્યાસ અર્થે ગયેલા અમદાવાદના યુવાન પ્રયાગ મહેતાનું હૉસ્પિટલમાં ટૂંકી માંદગી બાદ મોત થયાના છ દિવસ થવા છતાં પણ પુત્રનો મૃતદેહ નહીં મળતા પરિવારજનો ચિંતામાં મુકાયા છે. પરિવારજનોએઁ ભારતીય દૂતાવાસ અને સરકાર પાસે મદદ માગી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના પાલડી વિસ્તારમાં રહેતો પ્રયાગ મહેતા નામનો યુવાન માર્ચ, 2018માં આર્કિટેક્ચર એન્જિનિયરિંગ અને અર્બન પ્લાનિંગનો અભ્યાસ કરવા માટે પૉલૅન્ડ ગયો હતો. પ્રયાગ પૉલૅન્ડમાં વોર્સોની વિસ્ટલા યુનિવર્સિટીમાં એડમિશન લઇને અભ્યાસ કરતો હતો. તાજેતરમાં તેના પરિવારને યુનિવર્સિટી તરફથી જાણ કરવામાં આવી કે, 22 અૉક્ટોબરે સવારે પ્રયાગને હૉસ્પિટલમાં દાખલ કરાયો છે અને તેની સ્થિતિ ગંભીર છે. જેથી તેના પિતા પૉલૅન્ડ ગયા હતા. દરમિયાન પહેલી નવેમ્બરે પ્રયાગનું અવસાન થયું હતું. 
પ્રયાગ 21 અૉક્ટોબરે સાંજે બહાર ગયા બાદ મિત્રોને તેના તરફથી કોઇ સંદેશ મળ્યો ન હતો. જેથી મિત્રોએ આ વિશે પોલીસ અને યુનિવર્સિટી સત્તાધીશોને જાણ કરી હતી. પોલીસની તપાસમાં યુવક એક સ્થાનિક હૉસ્પિટલમાં દાખલ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી યુનિવર્સિટીએ મહેતા પરિવારને આ વિશે જાણ કરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer