આ ગુજરાતી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો જુસ્સો ગજબનો છે

આ ગુજરાતી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો જુસ્સો ગજબનો છે
હાર્ટ ઍટેક, સ્ટ્રોક અને સીઝરમાંથી સાજા થઈને 75 દિવસ પછી ઘરે ગયા
 
અમારા પ્રતિનધિ તરફથી 
મુંબઈ, તા. 7 :  નેપીયનસીમાં રહેતા 63 વર્ષના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના લડાયક જુસ્સા, ધૈર્ય અને સહનશક્તિને દાદ લેવી પડે. નિલેશભાઈ ડ્રાઇવિંગ કરતા હતા ત્યારે તેમને હાર્ટ ઍટેક આવ્યો. તેમને હૉસ્પિટલમાં લઈ જવાતા હતા ત્યારે તેમને બીજો હાર્ટ ઍટેક આવ્યો. તેમના પર એન્જીયોપ્લાસ્ટી કરાઈ. તેમના શ્વાસનળીમાં અવરોધ હોવાથી નિલેશભાઈ શ્વાસ લઈ શકે એ માટે ટ્રેકીઓટેમીની સર્જરી કરાઈ હતી. એન્જીયોપ્લાસ્ટી બાદ તેમનું હૃદય તો બરાબર કામ કરવા માગ્યું, પરંતુ તેમને સીઝરની બીમારી થઈ હતી. આ બીમારીમાં વારંવાર આંચકી આવે છે અને મગજ કામ કરતું નથી.  તબીબી માટે એ આકલન કરવું મુશ્કેલ હતું કે તેમના મગજને કેટલું નુકસાન થયું છે. દોઢ મહિનામાં સીઝરની બીમારી ક્રમશ:  સાજી થઈ હતી અને તેમણે આંખો ખોલી હતી. 
તેમના વાઇફ લીના મોદીએ કહ્યું હતું કે શરૂઆતમાં તેઓ મને તેમની બહેન કહેતા અને દરેકને એક જ નામથી બોલાવતા. 75 દિવસ સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હૉસ્પિટલ ઍન્ડ રિસર્ચ સેન્ટરમાં રહ્યા બાદ તેમને તેમની ભૂલનો અહેસાસ થાય છે અને તેઓ તરત જ ભૂલ સુધારી લે છે. 
સીસીઆઇમાં સ્વીમિંગ કર્યા બાદ નિલેશભાઈ ઘરે જઈ રહ્યા હતા ત્યારે તેમને હાર્ટ ઍટેક આવ્યો હતો. તેમને કશું ખોટું થઈ રહ્યું હોવાની આશંકા થતાં બ્રેક મારી હતી. કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી અને  ટાયર ફાટી ગયું હતું, પરંતુ સદ્ભાગ્યે એકિસડન્ટમાં કોઈને ઈજા થઈ નહોતી. પોલીસે એમ્બ્યુલન્સ બોલાવી હતી. જોકે, ત્યારે એક ગાયનેકૉલૉજિસ્ટ પસાર થતા તેમણે મોઢા વાટે શ્વાસોચ્છવાસ આપ્યા હતા. હૉસ્પિટલના કાર્ડિયોલૉજિસ્ટ ડૉક્ટર નિમિત શાહે કહ્યું હતું કે કૃત્રિમ શ્વાસોચ્છવાસથી મોદીને મદદ મળી હતી અને એન્જીયોપ્લાસ્ટી બાદ તેમનું હૃદય સારી રીતે કામ કરવા લાગ્યું હતું. આથી દવાઓ અને બીજાં મશીનો બંધ કરાયાં હતાં.  તેમને બે અઠવાડિયાં વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા હતા. સીઝરને લીધે તેમને સ્મૃતિભ્રંશ થયો હતો. જોકે, રિહેબિલેશન મેડિસિન અને સપોર્ટ્સ મેડિસિન ડિપાર્ટમેન્ટે અંકગણિતનો ઉપયોગ કરીને તેમના મગજને નવચેતના આપી હતી. એક મહિના બાદ મોદી બધાને ઓળખતા થઈ ગયા હતા. મોદીના મગજને કાર્યાન્વિત કરવા મુવમેન્ટ, સ્પીચ અને લેન્ગવેજ થેરીપીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ન્યુરોલૉજિસ્ટ અને કાર્ડિયોલૉજિસ્ટે પણ બીજા તબીબોને માર્ગદર્શન આપ્યું હતું. 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer