સાંકડી વધઘટ બાદ શૅરબજાર સામાન્ય ઘટાડે બંધ રહ્યાં

સાંકડી વધઘટ બાદ શૅરબજાર સામાન્ય ઘટાડે બંધ રહ્યાં
મારુતિ, હીરો, એશિયન પૅઈન્ટસમાં ખરીદી તો આઈટી શૅર્સ ઉપર વેચવાલીનું દબાણ
 
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 9 : શૅરબજારમાં શરૂઆતમાં આવેલ સુધારો મધ્ય ભાગના ટ્રેડિંગ પછી ટકી નહીં શકવાથી બજાર આજે નિયમિત વર્ષ 2075ના પ્રથમ દિવસે એશિયન બજારોનાં દબાણના અહેવાલ પછી થોડું ઘટીને બંધ રહ્યું હતું. રિટેલ ટ્રેડરો-રોકાણકારોની પાંખી ઉપસ્થિતિ વચ્ચે શરૂઆતમાં બજાર અગાઉના બંધ 10598થી 10614 ખૂલીને 10619 થઈને નીચે સરકવા માંડતાં 10544 સુધી ઘટયું હતું. આ સપાટીએ પંટરો, ફંડોની કેટલાક અૉટો, બૅન્કિંગ અને તેલ-ગૅસ માર્કેટિંગ શૅરોમાં લેવાલી-વેચવાલીના લીધે 30થી 40 પૉઈન્ટ વધઘટ બાદ ટ્રેડિંગ અંતે એનએસઈ-નિફટી 13 પૉઈન્ટ ઘટીને 10585 બંધ હતો. જ્યારે સેન્સેક્ષ 79 પૉઈન્ટ ઘટાડે 35158ના સ્તરે બંધ રહ્યો હતો.
એશિયન બજારોના ઘટાડાની અસરથી બપોર પછી સ્થાનિક બજારમાં ડૉલર સામે રૂપિયાની 42 પૈસા મજબૂતી છતાં બજારનો અંડરટોન નબળો રહ્યો હતો. જેથી નિકાસકાર દવા કંપનીઓ, આઈટી ક્ષેત્રના શૅરોમાં ઘટાડો નોંધપાત્ર રહ્યો હતો. જોકે, સનફાર્મામાં ચિક્કાર લેવાલીથી ફાર્મા ઈન્ડેક્સ ટ્રેડિંગ દરમિયાન 1 ટકા સુધર્યો હતો. સ્થાનિકમાં મેટલ શૅરોમાં ઘટાડા વચ્ચે કેટલાક ખાનગી બૅન્કો અને મારુતિ સુઝુકી અને હીરો હોન્ડામાં નોંધપાત્ર વધારો થયો હતો. જોકે, આજની વધઘટ બજારના ખેલંદા અને સ્થાનિક અને વિદેશી ફંડોના ટ્રેડિંગને લીધે નોંધાઈ હોવાનું અગ્રણી શૅરદલાલે જણાવ્યું હતું.
એનલિસ્ટોના અનુમાન પ્રમાણે અમેરિકા ખાતે ફેડ રિઝર્વ આગામી મહિને વ્યાજવધારો જાહેર કરશે તેની નિશ્ચિતપણે નકારાત્મક અસર એશિયન બજારોમાં આવશે. જોકે, ક્રૂડતેલના ભાવમાં નબળાઈથી બજારને માટે રાહતનું કારણ છે.
આજે નિફટીના અગ્રણી શૅરોમાંથી 30 શૅરના ભાવ સુધારે અને 20 શૅર ઘટયા હતા. આજના સુધરનાર મુખ્ય શૅરોમાં સૌથી વધુ મારુતિ રૂા. 155, હીરો રૂા. 68, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ રૂા. 30, એશિયન પેઈન્ટસ રૂા. 45, એચયુએલમાં રૂા. 29નો વધારો હતો. એચપીસીએલ અને બીપીસીએલ અનુક્રમે રૂા. 12 અને રૂા. 8 વધ્યા હતા. જોકે, ગૅસ ઉત્પાદક ગેઈલનો ભાવ રૂા. 7 દબાણમાં હતો. યસ બૅન્ક અને ઈન્ડસઈન્ડ અનુક્રમે રૂા. 12 અને રૂા. 11 વધ્યા હતા.
આજે ઘટાડાની આગેવાની લેતા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂા. 17, આઈટી અગ્રણી ટીસીએસ રૂા. 33, ઈન્ફોસીસ રૂા. 16 ઘટયા હતા. મેટલ ક્ષેત્રે ટિસ્કો રૂા. 8, જેએસડબ્લ્યુ સ્ટીલ રૂા. 4 અને હિન્દાલ્કોમાં રૂા. 5નો ઘટાડો હતો. આઈશર મોટર્સ રૂા. 155 અને એચડીએફસી રૂા. 12 ઘટયો હતો. વ્યક્તિગત શૅરોમાં મૂડી'સ દ્વારા રેટિંગના પુન: ગઠનની અસરે ભારતી ઍરટેલ રૂા. 6.50 ઘટીને રૂા. 300 બંધ હતો. જ્યારે ફાર્મા અગ્રણી ડૉ. રેડ્ડીસ રૂા. 53 અને સિપ્લા રૂા. 6 ઘટયા હતા. આજે મેટલ ઈન્ડેક્સ 0.9 ટકા ઘટયો હતો. એનએમડીસીના ભાવ પર દબાણની અસર ઈન્ડેક્સમાં પડઘાઈ છે.
સ્થાનિક બ્રોકરોના જણાવ્યા પ્રમાણે આગામી સોમવારે રિટેલ ટ્રેડરો અને રોકાણકારોની ઉપસ્થિતિ સાથે નિયમિત બજારની ચાલ પછી બજારનો અઠવાડિક ઝોક નક્કી થશે.
વિદેશી-એશિયન બજાર
અમેરિકામાં ફેડ રિઝર્વના વ્યાજદર વધારાના સંકેતથી એશિયન બજારો દબાણમાં આવ્યાં હતાં. એશિયાનો મુખ્ય એમએસસીઆઈ બ્રોડેસ્ટ ઈન્ડેક્સ 1.3 ટકા, જપાન ખાતે નિક્કી 1.05 ટકા, હૅંગસૅંગ 2.4 ટકા અને શાંઘાઈ કમ્પોઝિટ 1.2 ટકા ઘટયા હતા. દક્ષિણ કોરિયા ખાતે કોસ્પી થોડો દબાણમાં આવ્યો હતો.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer