મૉસ્કો શાંતિ મંત્રણામાં અફઘાન-તાલિબાન નેતાઓ હાજર રહ્યા

ભારતીય પ્રતિનિધિઓ `બિનસત્તાવાર સ્તરે' સામેલ થયા

મૉસ્કો, તા. 9 (પીટીઆઈ) : અફઘાનિસ્તાનમાં તાલીબાનો સાથે સીધી શાંતિ વાટાઘાટો શરૂ કરવા માટે યોગ્ય વાતાવરણ ઊભું કરવા રશિયાએ અત્રે એક મોટી પરિષદનું આયોજન કર્યું હતું અને જણાવ્યું હતું કે કોઈએ પણ અફઘાનિસ્તાનમાં `ભૌગોલિક-રાજકીય' રમતો રમવી ન જોઈએ. આ બેઠકમાં પ્રથમવાર ભારતે પણ હાજરી આપી હતી.
અફઘાનિસ્તાન પર પોલ્કો ખાતે યોજાયેલી આ બીજી બેઠકને ખુલ્લી મૂકતા વિદેશપ્રધાન સેરગે લાવરોવે જણાવ્યું હતું કે રશિયા અને આ પ્રાંતના દેશો અફઘાન સરકાર અને તાલીબાન વચ્ચે મંત્રણા ચાલુ કરાવવા તમામ કરી છૂટશે.
અફઘાનિસ્તાનના ઈતિહાસમાં નવું પ્રકરણ ખોલવા તમામ પ્રયાસો કરવા અમે કટિબદ્ધ છીએ, એમ લાવરોવને ટાંકીને તાસ ન્યૂઝ એજન્સીએ જણાવ્યું હતું.
બેઠકને સંબોધતાં લાવરોવે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સુમેળ પ્રક્રિયાને આગળ વધારવા આ મંત્રણા યોજવાનો આ બેઠકનો મુખ્ય હેતુ છે. આ બેઠકમાં અફઘાન અને તાલીબાન નેતાઓ હાજર રહ્યા હતા.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer