ચોરબજારનું નામ બદલવા માટે સહીઝુંબેશ શરૂ કરાશે

મુંબઈ, તા. 9 : દક્ષિણ મુંબઈના ભિંડીબજાર સ્થિત ઐતિહાસિક વસ્તુઓનું `ચોરબજાર' વર્ષોથી પ્રખ્યાત છે, પરંતુ હવે આ નામ પર પ્રશ્નો થવા લાગ્યા છે. 150 વર્ષ જૂના આ બજાર વિષે કહેવામાં આવે છે કે, પહેલા આ બજારનું નામ શોરબજાર હતું. જૂના દુકાનદારોનું કહેવું છે કે, અંગ્રેજો આ નામનો ઉચિત ઉચ્ચાર નહોતા કરી શકતા અને તેઓ ચોરબજાર કહેતા એટલે આ બજારનું નામ ચોરબજાર પડી ગયું. શિવસેનાના નેતા ખાલિદ મામૂની મદદથી વિસ્તારનું નામ બદલવાના પ્રયત્નો ચાલી રહ્યા છે. 
એક સામાજિક કાર્યકર્તાએ કહ્યું હતું કે, ચોરબજાર નામ હોવાથી વિસ્તારના રહેવાસીઓ અને દુકાનદારો પ્રત્યે લોકોની જોવાની દૃષ્ટિ બદલાઇ જાય છે. બજાર ભારતની સૌથી મોટી અને પ્રાચીન વસ્તુઓનો ભંડાર હોવા છતાં નામને કારણે લોકોનાં મગજમાં નકારાત્મક છાપ બની ગઈ છે. શિવસેનાના નેતા ખાલિદ મામૂએ કહ્યં હતું કે, ચોરબજારમાં પ્રાચીન વસ્તુઓથી માંડીને વિક્ટોરિયન ફર્નિચર, ફેશન સામગ્રીથી ઈલેક્ટ્રોનિક્સ સુધી દરેક વસ્તુઓ મળે છે. પરંતુ અંગ્રેજોને કારણે નામ બદલાયું અને છાપ ખરાબ પડી રહી છે. સ્થાનિક લોકોનું પણ કહેવું છે કે બજારનું નામ બદલવું જોઈએ. નામ બદલવાની ઝુંબેશ વિષે તેમણે કહ્યં હતું કે, ઝુંબેશમાં ચોરબજારના રહેવાસીઓ પાસેથી હસ્તાક્ષર લેવામાં આવશે. ઝુંબેશ પૂરી થયા બાદ ફૉર્મ દક્ષિણ મુંબઈના શિવસેનાના સંસદસભ્ય અરવિંદ સાવંત, મુંબઈના પાલકપ્રધાન સુભાષ દેસાઈ અને શિવસેના વિભાગ પ્રમુખ પાંડુરંગ સતપાલને મોકલવામાં આવશે. પાલિકા અને મેયરને પણ ફોર્મ મોકલવામાં આવશે. કૉંગ્રેસ વિધાનસભ્ય અમીન પટેલે કહ્યું હતું કે, ચોરબજારનું નામ બદલવાનો મુદ્દો પહેલા પણ ઉપાડયો હતો, પરંતુ રહેવાસીઓએ પ્રતિસાદ ન આપતાં ઠંડો પડી ગયો હતો. હાલ જો લોકો રાજી થઈ જશે તો તરત નામ બદલવામાં આવશે. પરંતુ ચોરબજારનું નામ ભલે બદલાય છતાં તે આ જ નામથી ઓળખાશે. 
ચોરબજાર ઍસોસિયેશનના સેક્રેટરી શૌકત મંસૂરીએ કહ્યં હતું કે, આ નામથી તેમને કોઈ જ તકલીફ નથી. કારણે દુનિયા તેમને એ જ નામથી ઓળખે છે. ચોરબજારની જોવાલાયક અને પર્યટક સ્થળમાં ગણતરી કરવામાં આવે છે. નામ બદલવાથી કોઈ ફરક નથી પડવાનો. જ્યારે બીજી બાજુ રહેવાસીઓમાં અસમંજસતા છે કે નામ બદલાશે જ નહીં અને બદલાશે તો ક્યારે અને શું રાખવામાં આવશે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer