સેન્ડહર્સ્ટ રોડ સ્ટેશન ઉપર શરાબીને હટાવવાના મુદ્દે ધમાલ

સ્ટેશન માસ્તરની કચેરીમાં તોડફોડ
 
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 9 : મધ્ય રેલવેના સેન્ડહર્સ્ટ્ રોડ સ્ટેશન ઉપર શરાબીને હટાવવાના મુદ્દે થયેલી ધમાલ પછી તોફાની ટોળાએ સ્ટેશન માસ્ટરના કાર્યાલયમાં તોડફોડ કરી હતી. વડાલા રેલવે પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી છે. આ બનાવનો વીડિયો વાયરલ થયો છે અને તેમાં પોલીસની પીટાઈ થતી હોવાનું દેખાય છે. તેમાં મહિલા પણ તોડફોડ કરતી દેખાય છે.
રેલવે પોલીસના નિયંત્રણ કક્ષ તરફથી જણાવવામાં આવ્યું હતું કે સેન્ડહર્સ્ટ રોડ સ્ટેશન ઉપર ટિકિટ બારી પાસે શરાબીને હટાવવા આરપીએફના જવાનો અને પોઇન્ટ્સમૅન સાંજે લગભગ 5.30 વાગે પહોંચ્યા હતા. હટાવતી વેળાએ ઝપાઝપીમાં શરાબીને ઇજા થતાં તેને લોહી નીકળવા માંડયું હતું. તેથી જવાનો અને પોઇન્ટ્સમૅન તેને પ્રાથમિક સારવાર આપવા સ્ટેશન માસ્તરની કેબિનમાં લઇ જઈ રહ્યા હતા. તેની હવે વધારે મારપીટ થશે એવા ડરથી પ્રવાસીઓના ટોળાએ આરપીએફના જવાન અને પોઇન્ટ્સમૅનને રોક્યા હતા. બાદમાં ટોળુ રોષે ભરાયું હતું અને તેઓએ સ્ટેશન માસ્તરની કચેરીમાં કાચ અને બે કૂંડા તોડયા હતા. મામલો બીચકતા આ બનાવની જાણ સાંજે 6.20 વાગે કંટ્રોલરૂમને કરવામાં આવી હતી. બાદમાં શરાબીને સારવાર માટે હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
આ ધાંધલધમાલ સેન્ડહર્સ્ટ રોડની હાર્બર લાઇન ઉપરના પ્લૅટફૉર્મ ક્રમાંક-ત્રણ ઉપર થઈ હતી.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer