ફેસબુક-ફ્રેન્ડે કાંદિવલીના રહેવાસી સાથે કરી રૂા. 9.4 લાખની ચીટિંગ

ફેસબુક-ફ્રેન્ડે કાંદિવલીના રહેવાસી સાથે કરી રૂા. 9.4 લાખની ચીટિંગ
મુંબઈ, તા. 9 : સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકો સાથેની દોસ્તી કેવી ભારે પડી શકે છે એનો અનુભવ કાંદિવલીના એક રહેવાસીને થયો હતો અને તેણે 9.4 લાખ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો હતો. આ રહેવાસીએ બુધવારે આ સંબંધની ફરિયાદ નોંધાવી છે.
કાંદિવલીનો આ ફરિયાદી કાંદિવલીમાં કોચિંગ ક્લાસ ચલાવે છે અને અૉગસ્ટ મહિનામાં તેની દોસ્તી ફેસબુક પર એક મહિલા સાથે થઈ હતી. લિયોની નામની આ મહિલાએ પોતાની ઓળખ જોર્ડનના નાગરિક તરીકે આપી હતી અને પોતે જોર્ડનમાં સૅલોં ચલાવતી હોવાનું કહ્યું હતું.
કાંદિવલીના રહેવાસીને થોડા દિવસ પછી એક ફોન આવ્યો હતો. ફોન કરનાર અમિત નામનો શખસ હતો. અમિતે કહ્યું હતું કે હું લિયોની વતી બોલું છું અને લિયોની દિલ્હી ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર અટવાઈ ગઈ છે. તેની પાસે 70,000 અમેરિકી ડૉલર હોવાથી ઇમિગ્રેશન અધિકારીઓ તેને છોડતા નથી. તેને બહાર નીકળવા માટે 24,000 રૂપિયાની જરૂર છે.
અમિતે 24,000 રૂપિયા લિયોનીના ખાતામાં ટ્રાન્સફર કરવાની કાંદિવલીના રહેવાસીને વિનંતી કરી હતી.
પોલીસે કહ્યું હતું કે 24,000 રૂપિયા ફરિયાદીએ ટ્રાન્સફર કરી દીધા હતા અને એ પછી થોડા-થોડા દિવસે વધુ પૈસા જમા કરાવવા માટે ફોન આવવાનું શરૂ થયું હતું અને દરેક વખતે નવું બહાનું બતાવવામાં આવતું હતું.
ફરિયાદીએ કુલ 9.4 લાખ રૂપિયા લિયોનીના ખાતામાં જમા કરાવ્યા પછી તેને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો ખ્યાલ આવ્યો હતો.
પોલીસે કહ્યું હતું કે ફરિયાદીએ લિયોની અને એ પુરુષનો ફોન પર સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો, પણ બન્નેના ફોન સતત બંધ આવતા હતા. ત્યાર બાદ છેવટે તેણે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે ઇન્ડિયન પીનલ કોડ અને ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી ઍક્ટની વિવિધ કલમ હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer