દહાણુ પાસે માલગાડીના ડબામાં આગ

દહાણુ પાસે માલગાડીના ડબામાં આગ
પશ્ચિમ રેલવેનો ટ્રેનવ્યવહાર દસ કલાક ખોરવાયો
 
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 9 : ગુરુવારે રાતે સુમારે 10.35 વાગે પશ્ચિમ રેલવેના દહાણુ રોડ અને વાનગાંવ સ્ટેશનો વચ્ચે અપલાઇનમાં એક માલગાડીના બે ડબામાં આગ લાગતાં મુંબઈથી જતી અને મુંબઈ તરફ આવતી કેટલીક લાંબા અંતરની ટ્રેનોનો વ્યવહાર ખોરવાયો હતો. ઉપરાંત વિરાર દહાણુ વચ્ચે અપ અને ડાઉન લોકલ ટ્રેનો પણ ખોરવાઈ હતી. જોકે રેલવે તંત્રએ હાથ ધરેલી ઝડપી કાર્યવાહીથી શુક્રવારે સવારે 8-50 વાગે ટ્રેન વ્યવહાર રાબેતા મુજબનો થયો હતો.
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી રવીન્દ્ર ભાકરે બહાર પાડેલી અખબારી યાદીમાં જણાવ્યું હતું કે કોનરાજ/ જેએનપીટી માલગાડીના વેગન નં. 22 અને 23માં આગ લાગતાં અપ અને ડાઉન મેલ એક્સ્પ્રેસ ટ્રેનોનો વ્યવહાર ખોરવાયો હતો. ઘટનાસ્થળે ઓવરહેડ વાયર પીગળી ગયા હતા.
રેલવેએ તત્કાળ કાર્યવાહી હાથ ધરી હતી અને ડાઉન લાઇનનો ટ્રેન વ્યવહાર તો રાતે 1.35 વાગ્યાથી જ શરૂ થઈ ગયો હતો. જ્યારે અપ લાઇન આજે સવારે 8-50 વાગે પૂર્વવત થઈ હતી.
રેલવે લાઇનથી કેટલીક લાંબા અંતરની ટ્રેનો ડાયવર્ટ કરાઈ હતી, કેટલીક શોર્ટ ટર્મિનેટ કરાઈ હતી અને કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી હતી, એમ ભાકરે જણાવ્યું હતું.
મુંબઈથી 9 નવેમ્બરે સવારે ઉપડનારી કેટલીક ટ્રેનો મોડેથી ઉપાડવામાં આવી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer