અવનિના મોતની તપાસ માટે આખરે સમિતિ રચવામાં આવી

અવનિના મોતની તપાસ માટે આખરે સમિતિ રચવામાં આવી
વાઘણને બેભાન કરવા માટેનું તીર તેના સ્નાયુ સુધી પહોંચ્યું જ નહોતું
 
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 9 : વાઘણ અવનિના હંગામી પોસ્ટમૉર્ટમ અહેવાલ પ્રમાણે અવનિએ ચાર-પાંચ દિવસથી કંઈ ખાધું નહોતું અને એના પેટ-આંતરડાં પ્રવાહી અને વાયુથી ભરેલાં હતાં. જોકે, આ અહેવાલમાં એવો ઘટસ્ફોટ થયો છે કે અવનિને બેભાન કરવા માટે છોડાયેલું તીર તેને બરાબર વાગ્યું જ નહોતું. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે બેભાન કરવાવાળું તીર ડાબી જાંઘને વાગ્યું હતું. આમાં પાંચ મિલિમીટર બેભાન થવાની દવા અને દોઢ ઈંચની સોઈ હતી. આ તીર ચામડીની નીચે વાગ્યું હોવાથી વાઘણ બેભાન થઈ નહોતી. હકીકતમાં આ તીર સ્નાયુના ભાગમાં વાગ્યું હોત તો લોહીએ બેભાન કરવાની દવાને શોષી હોત. તીર ચામડી અને સ્નાયુ વચ્ચેના આવરણને પણ ભેદી શક્યું નહોતું. પોસ્ટમૉર્ટમના રિપોર્ટ પ્રમાણે 119 કિલોની અવનિનું મૃત્યુ આંતરિક હેમરેજ અને હૃદય-ફેફસાં કામ કરતા બંધ થતાં નીપજ્યું હતું. યવતમાળ જિલ્લામાં છેલ્લાં બે વર્ષમાં તેર જણને ખાનારને અવનિને ગોળી મારીને પતાવી દેવાઈ એનો કેન્દ્રીય પ્રધાન મેનકા ગાંધી અને જીવદયાપ્રેમીઓએ વિરોધ કર્યો છે.
તપાસ સમિતિની રચના
આ વાઘણનાં મૃત્યુની તપાસ કરવા ત્રણ સભ્યોની સમિતિની રચના કરાઈ છે. આના અધ્યક્ષ રાજ્યના પ્રધાન વનસંરક્ષક ડૉક્ટર એસ. એચ. પાટીલ, મુંબઈના વાઈલ્ડ લાઈફ કોન્ઝર્વેશન ટ્રસ્ટના પ્રમુખ ડૉકટર અનીશ અંધેરિયા તથા અપર પ્રધાન મુખ્ય વનસંરક્ષક નીતિન કાકોડકરનો સમાવેશ થાય છે. આ સમિતિ 22 નવેમ્બર સુધી તેનો અહેવાલ સરકારને આપશે.
સમિતિએ તપાસમાં અવનિને મારતી વખતે રાષ્ટ્રીય વ્યાઘ્ર સંવર્ધન પ્રાધીકરણની સ્ટાન્ડર્ડ અૉપરેટિંગ પ્રેક્ટિસનું પાલન કરાયું હતું કે નહીં.
ગડકરીએ કર્યો બચાવ
કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ રાજ્યના વનપ્રધાન સુધીર મુનગંટ્ટીવારનો બચાવ કર્યો હતો. વાઘણ તેર ખેડૂતોને ખાઈ ગઈ હતી અને કોઈ ખેડૂતો માટે આંસુ સારતા નથી. કોઈ વાઘણને મારવા માગતું નથી, પરંતુ તે માનવભક્ષી થાય તો શું કરવું?

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer