ટ્રેનપ્રવાસમાં મુસીબતમાં છો?

ટ્રેનપ્રવાસમાં મુસીબતમાં છો?
હેલ્પલાઇન નંબર `1512' પર ફોન કરો અને મિનિટોમાં જ મદદ હાજર!

મુંબઈ, તા. 9 : ટ્રેનમાં પ્રવાસ કરતાં મુસીબતમાં સપડાઓ તો એક ફોનકૉલથી ગણતરીની મિનિટોમાં પોલીસની મદદ મેળવી શકો છો. ગવર્નમેન્ટ રેલવે પોલીસ (જીઆરપી)ના રાજ્યવ્યાપી ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1512 ઉપર ફોન કરવાથી આવી મદદ મળવી હવે સુલભ બની છે.
જીઆરપી કન્ટ્રોલરૂમે હવે ફીલ્ડ પરના તેના જવાનોની સાથે તેમના સ્માર્ટફોનથી લિન્ક થવાની સિસ્ટમ વિકસાવી છે એટલે મુસીબતના સમયે ફોન કરનારની સૌથી નજીકના જીઆરપી જવાન પહોંચીને તેને મદદ કરી શકે.
મંગળવારની એક સાંજે જીઆરપીના કૉન્સ્ટેબલ રાકેશ મહેરને એક તાકીદનો ફોન આવ્યો જેમાં ફોન કરનારે કહ્યું કે એક પ્રવાસી વિદ્યાવિહાર અને કુર્લા સ્ટેશન વચ્ચે ટ્રેનમાંથી પડી ગયો છે. કન્ટ્રોલરૂમમાં બેઠેલા મહેરે તેમની સામેના મોટા ક્રીનમાં ટ્રેનની લાઇનનો નકશો જોયો અને તેમણે એ જોયું કે આ બે સ્ટેશનોની સૌથી નજીકમાં જીઆરપીનો કયો જવાન છે. એ લૉકેટ કરીને તેમણે એ જવાન અને કૉલરને કૉન્ફરન્સ-કૉલથી જોડયા અને ઘટનાસ્થળે તત્કાળ પહોંચવાની તાકીદ કરી.
ટ્રૅકિંગ સૉફ્ટવેરનો ઉપયોગ કરીને મુસીબતમાં ફસાયેલા પ્રવાસી પાસે પહોંચવા માટેની આ હેલ્પલાઇન કમાલનું કામ કરે છે. એમાં હેલ્પલાઇનના કન્ટ્રોલરૂમમાંથી ફીલ્ડ પરના જવાનનો સંપર્ક સાધવામાં આવે છે અને એમાં સ્માર્ટફોન ધરાવતા ફીલ્ડ પરના દરેક જવાનનો તત્કાળ સંપર્ક કરી શકાય છે.
2017ના અૉક્ટોબર મહિનામાં લૉન્ચ થયેલી આ હેલ્પલાઇનને એક વર્ષમાં 20,600 કૉલ મળ્યા છે જેમાંથી સૌથી વધુ 67 ટકા કૉલ સામાન ચોરાયા અંગેના હતા, જ્યારે 1000 જેટલા કૉલ ટ્રેનમાં થયેલા ઝઘડા અંગેના હતા.
સામાન ચોરાયાના 13,831 કૉલ, ઝઘડાના 1133, ઈજાગ્રસ્ત પૅસેન્જરના 416, દિવ્યાંગોના ડબ્બામાં ગેરકાયદે પ્રવાસના 363, બીમાર પૅસેન્જરના 345, ટ્રેનમાં ત્યજી દેવાયેલી અજાણી વસ્તુઓના 251, ચોરી અંગેના 164, પૅટ્રાલિંગ કરતા જવાનની ગેરહાજરી અંગેના 148, ગુમ થયેલી વ્યક્તિ અંગેના 147, શરાબના નશાવાળા પ્રવાસીઓ અંગેના 102, અકસ્માતના 81, મોબાઇલચોરીના 21 અને મહિલાઓની છેડતીના 18 ફોનકૉલ મળ્યા હતા.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer