રિઝર્વ બૅન્ક પાસેથી મસમોટી મૂડી માગી હોવાનો સરકારનો ઇનકાર

રિઝર્વ બૅન્ક પાસેથી મસમોટી મૂડી માગી હોવાનો સરકારનો ઇનકાર
મોદી સરકાર આરબીઆઈને કબજે કરવા માગે છે : ચિદમ્બરમનો આક્ષેપ
 
નવી દિલ્હી, તા. 9 (પીટીઆઈ) : રિઝર્વ બૅન્ક અૉફ ઈન્ડિયા (આરબીઆઈ) સાથે ઘર્ષણની વચ્ચે સરકારે શુક્રવારે જણાવ્યું હતું કે કેન્દ્રીય બૅન્કે જાળવી રાખવાની મૂડી અનામતોનું `યોગ્ય' કદ નક્કી કરવા માટે તે ચર્ચા કરી રહી છે, પરંતુ રિઝર્વ બૅન્કની પાસેથી મસમોટી મૂડી ટ્રાન્સફર માગી રહી હોવાનું નકાર્યું હતું.
આરબીઆઈની પાસે રૂા. 9.59 લાખ કરોડની મસમોટી અનામત છે અને જો અહેવાલોને સાચા માનવામાં આવે તો આ અનામતમાંથી ત્રીજા ભાગની રકમ કેન્દ્રીય બૅન્ક છૂટી કરે એવું સરકાર ઈચ્છી રહી છે. નબળી બૅન્કો માટેના નિયમો હળવા કરવા તથા પ્રવાહિતા વધારવા સહિતના આ મુદ્દે તાજેતરના સપ્તાહોમાં સરકાર અને આરબીઆઈની વચ્ચે મોટું ઘર્ષણ સર્જાયું છે.
આર્થિક બાબતોના સચિવ સુભાષચંદ્ર ગર્ગે ટ્વીટર પર એવી ચોખવટ કરી હતી કે સરકારને ભંડોળની કોઈ પણ પ્રકારની તાતી જરૂર નથી અને રૂા. 3.6 લાખ કરોડ ટ્રાન્સફર કરવા આરબીઆઈને જણાવવા માટેની સરકારની કોઈ દરખાસ્ત નથી.
નાણાકીય વર્ષ 2018-'19 માટે 3.1 ટકા રાજકોષીય ખાધના લક્ષ્યને પહોંચી વળવા માટે સરકાર પાટા પર છે, એમ ગર્ગે જણાવ્યું હતું.
ટ્વીટ કરીને ગર્ગે જણાવ્યું હતું કે અટકળ કરાય છે એ મુજબ રૂા. 3.6 લાખ કરોડ અથવા રૂા. એક લાખ કરોડ ટ્રાન્સફર કરવા આરબીઆઈને જણાવવા માટેની કોઈ દરખાસ્ત નથી. વર્ષ 2013-14માં સરકારની રાજકોષીય ખાધ 5.1 ટકા હતી. 2014-15થી આગળ સરકાર તેને નક્કરપણે ઘટાડવામાં સફળ રહી છે. નાણાકીય વર્ષ 2018-'19 અમે 3.3 ટકાની સાથે સમાપ્ત કરીશું. વાસ્તવમાં આ વર્ષે બજેટમાં ઉલ્લેખિત રૂા. 70,000 કરોડની રકમ બજારમાંથી ઉછીની લેવાનું જતું કર્યું છે.
ગર્ગે કહ્યું હતું કે `ચર્ચા હેઠળ'ની એકમાત્ર દરખાસ્ત - આરબીઆઈનું યોગ્ય આર્થિક મૂડીમાળખું નક્કી કરવા માટેની છે.
આર્થિક મૂડીમાળખું વિભિન્ન જોખમોને ધ્યાનમાં લઈને કેન્દ્રીય બૅન્કને જોઈતી જોખમ મૂડી સાથે સંબંધ ધરાવે છે.
વર્ષ 2016-17ના આર્થિક સર્વેક્ષણમાં ભૂતપૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યને જણાવ્યું હતું કે આરબીઆઈ અગાઉથી અસાધારણપણે ખૂબ જ ઊંચી મૂડી ધરાવે છે અને તેની મૂડીમાંથી રૂા. 4 લાખ કરોડ સરકારને ટ્રાન્સફર કરીને તેનો બૅન્કોને મૂડીકૃત બનાવવા અને/અથવા પબ્લિક સેકટર એસેટ રિહેબિલિટેશન એજન્સીને ફરી મૂડી પૂરી પાડવા માટે ઉપયોગ કરી શકાય. જોકે, આ દરખાસ્ત કદી સાકાર થઈ નહોતી.
ગુરુવારે ભૂતપૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમે એવો આક્ષેપ કર્યો હતો કે નરેન્દ્ર મોદીની સરકાર તેની રાજકોષીય કટોકટીને પહોંચી વળવા માટે આરબીઆઈને કબજે કરવાનો પ્રયાસ કરી રહી છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer