લૉટરી એ પણ જુગાર જ છે : હાઈ કોર્ટ

મુંબઈ, તા. 10 : લૉટરી જુગાર અને બેટિંગની કક્ષામાં આવે છે એવો ચુકાદો મુંબઈ વડી અદાલતે આપ્યો છે.
અરુણાચલ પ્રદેશ અને નાગાલૅન્ડ એ બે રાજ્યોની લૉટરીની ઉપવિતરક કંપની - મંગલમૂર્તિ માર્કેટિંગ કંપનીએ મહારાષ્ટ્રના ટૅક્સ અૉન લૉટરીઝ એક્ટ 2006ની કાયદેસરતાને પડકારી હતી. તેણે વડી અદાલતને વિનંતી કરી હતી કે આ બંને રાજ્યોની લૉટરી ઉપર વેચાણવેરો વસૂલ કરવાની મનાઈ ફરમાવવામાં આવે તે અરજી ન્યાયાધીશો એચ. સી. ધર્માધિકારી અને ભારતી ડોંગરેની બનેલી ખંડપીઠે નકારી કાઢી હતી. અરજદારોએ દાવો કર્યો હતો કે આ કાયદા પાછળનો પરોક્ષ હેતુ મહારાષ્ટ્રમાં અન્ય રાજ્યોની લૉટરીની ટિકિટો વેચાતી રોકવાનો છે. વધુમાં મહારાષ્ટ્ર સરકાર અન્ય રાજ્યોની આવક ઉપર વેરો વસૂલ કરી શકે નહીં એવી દલીલ પણ અરજદારે વડી અદાલત સમક્ષ કરી હતી. તે અંગે મહારાષ્ટ્રના ઍડવોકેટ જનરલ આશુતોષ કુંભકોણીએ સરકારનો પક્ષ માંડતા જણાવ્યું હતું કે લૉટરીના ધંધાનું નિયમન કરવા માટે આ કાયદો ઘડવામાં આવ્યો છે.
લૉટરી એ બેટિંગની કક્ષામાં આવે છે તેથી તેના ઉપર કર લાદવાનો અધિકાર વિધાનગૃહોને છે એમ કુંભકોણીએ ઉમેર્યું હતું.
મુંબઈ વડી અદાલતે મહારાષ્ટ્ર સરકારની દલીલ માન્ય રાખતા ચુકાદો આપ્યો હતો કે આ કર એ લૉટરી ઉપરનો વેચાણવેરો નથી પરંતુ તે બેટિંગ અને જુગારને લૉટરીની કક્ષામાં ગણે છે!

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer