નોટબંધીના વિરોધમાં નિરૂપમે યોજેલી રૅલીમાં વરિષ્ઠ કૉંગ્રેસી નેતાઓ ગેરહાજર

મુંબઈ, તા. 10 : કૉંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ નોટબંધીને બે વર્ષ પૂર્ણ થયાં તે નિમિત્તે દેખાવો યોજવાનો આદેશ આપ્યો હોવા છતાં મુંબઈ એકમ દ્વારા યોજવામાં આવેલા દેખાવોમાં કેટલાક વરિષ્ઠ કૉંગ્રેસી નેતા ગેરહાજર રહ્યા હતા. તેની પાછળ કૉંગ્રેસની મુંબઈ એકમમાં ચાલતી ખેંચતાણ સપાટી ઉપર આવી છે.
કૉંગ્રેસના નેતાએ જણાવ્યું હતું કે આ બાબત અમે પક્ષની નેતાગીરીના ધ્યાનમાં લાવશું. રાહુલ ગાંધીએ નોટબંધીને બે વર્ષ પૂર્ણ થયાં એ નિમિત્તે દેખાવો યોજવાનો આદેશ આપ્યો હોવા છતાં કેટલાંક વરિષ્ઠ નેતાઓએ તે કાર્યક્રમનો બહિષ્કાર કર્યો તે બાબત આઘાતજનક છે. ભૂતકાળમાં પણ કૉંગ્રેસના કેટલાક વરિષ્ઠ નેતાઓએ તે કાર્યક્રમોનો બહિષ્કાર કર્યો હતો.
કૉંગ્રેસના મુંબઈ એકમના વડા સંજય નિરૂપમે વરિષ્ઠ કૉંગ્રેસ નેતાઓની ગેરહાજરીના મુદ્દાને ગૌણ ગણાવીને ઉમેર્યું હતું કે નોટબંધીની ઘટનાને બે વર્ષ પૂર્ણ થયાં એ નિમિત્તે યોજાયેલી રૅલીમાં માત્ર કૉંગ્રેસી કાર્યકરો જ નહીં પરંતુ સમાજના વિવિધ વર્ગોના નાગરિકો સામેલ થયા હતા. તે દિવસ ભારતના ઇતિહાસનો કાળો દિવસ હતો, એમ નિરૂપમે ઉમેર્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer