કેન્દ્ર 34 લાખ ટન કઠોળ રાજ્યોને આપશે

નવી દિલ્હી, તા. 10 : કેન્દ્ર સરકારે તેની પાસેના અનામત જથ્થાને ઘટાડવા અને ઓછા ભાવથી નારાજ ખેડૂતોને શાંત પાડવા માટે રાજ્યોને 34 લાખ ટન કઠોળની અૉફર કરી છે. વર્ષ 2017-'18માં કેન્દ્ર સરકારે ખેડૂતો પાસેથી કઠોળની વિક્રમી ખરીદી કરી હતી. કઠોળનો ઉનાળુ પાક વિવિધ એજન્સીઓએ ખરીદ્યો છે. તેને સંઘરવા માટે, ગોદામોમાં જગ્યા કરવા માટે આ અૉફર કરવામાં આવી છે.
કેન્દ્રના કૃષિપ્રધાન રાધામોહન સિંહે વિવિધ રાજ્યોના મુખ્ય પ્રધાનોને લખેલા પત્રમાં જણાવ્યું છે કે કેન્દ્ર પાસેનો કઠોળનો જથ્થો કિલોદીઠ 15 રૂપિયાના ભાવે આપવામાં આવશે. આ ભાવ કોઈ પણ રાજ્યમાં કઠોળના વર્તમાન ભાવ કરતાં ઘણો જ ઓછો છે. આ કઠોળને શાળામાં અપાતાં મધ્યાહ્ન ભોજન જેવી કલ્યાણકારી યોજના હેઠળ વિતરણ કરી શકાય છે. આ ડિસ્કાઉન્ટને કારણે રાજ્યો કઠોળને ગ્રાહકલક્ષી પેકિંગમાં વેચી શકશે. તેના ભાવ છૂટક બજારના ભાવ કરતાં લગભગ 50 ટકા ઓછા હશે.
વર્ષ 2017-'18માં કઠોળનું ઉત્પાદન 245 લાખ ટન થયું હોવાથી તેના ભાવમાં ઘટાડો થયો હતો. કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા મિનિમમ સપોર્ટ પ્રાઈસ (ટેકાના લઘુતમ ભાવ)ને કારણે ખેડૂતો માટે બજારભાવ વધારવામાં મદદ મળે છે. તેલીબિયાં અને કઠોળની ખરીદી પ્રાઈસ સપોર્ટ સ્કીમ હેઠળ કરવામાં આવે છે.
રાધામોહન સિંહે રાજ્યોના મુખ્ય પ્રધાનોને ગત 26મી અૉક્ટોબરે લખેલા પત્રમાં જણાવ્યું છે કે આ આકર્ષક સ્કીમની મદદથી રાજ્યો સમાજના નબળા વર્ગેને કલ્યાણકારી યોજના મારફતે સસ્તાભાવે કઠોળ પૂરું પાડી શકશે એમ તેમણે ઉમેર્યું હતું.
આ અૉફરની મદદથી કેન્દ્ર સરકાર 5237 કરોડ રૂપિયાની કિંમતનો કઠોળનો સ્ટૉક ક્લિયર કરવાનો ઇરાદો ધરાવે છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer